Maharashtra Elections: મહારાષ્ટ્રમાં વિધાનસભાને લઈને પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યા છે. દરેક પાર્ટી ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે. એવામાં સમાચાર સામે આવ્યા છે કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવાર તારિખ 16મી નવેમ્બરે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતર્ગત મુખ્યમંત્રી મુંબઈ મહાનગરમાં તેમના પ્રવાસ દરમિયાન એક જ દિવસમાં ચાર જનસભાઓને સંબોધન કરવાના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે સવારે ૧૦ વાગ્યે દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે "ચાય પે ચર્ચા" માં સહભાગી થઈને મુંબઈમાં તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. તેમના આ પ્રવાસ દરમિયાન બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે પણ મુખ્યમંત્રી સંવાદ-વાર્તાલાપ કરવાના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યારબાદ બપોરે જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે. આ જન સભામાં મુંબઈ મહાનગરના 140થી વધુ ગુજરાતી સમાજ સંગઠનોના પ્રતિનિધિઓ જોડાવાના છે. ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં શનિવારે સાંજે વર્સોવા વિધાનસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં મહાડા ગ્રાઉન્ડ, ઓશીવારા મેટ્રો સ્ટેશન જોગેશ્વરી વેસ્ટમાં આયોજિત સભામાં સંબોધન કરશે . ત્યાર બાદ તેઓ અંધેરી વિધાનસભા મત ક્ષેત્રના ઉમેદવારના સમર્થનમાં રામ મંદિર, મરોલ, અંધેરી ખાતે સભા સંબોધશે.
મુખ્યમંત્રી આ સભા પૂર્ણ કરીને ઘાટકોપર ઇસ્ટ વિધાનસભા મત ક્ષેત્રના ઉમેદવારના સમર્થનમાં જનસભાને પોલીસ હોકી ગ્રાઉન્ડ ખાતે સંબોધન કરવાના છે. મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાન સભાની આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓના ઝંઝાવાતી પ્રચાર અંતર્ગત એક જ દિવસમાં ચાર જન સભાઓને સંબોધન કરીને શનિવારે મોડી રાત્રે ગાંધીનગર પરત આવશે.
મહારાષ્ટ્ર માટે BJP ના 23 મોટા વચનો
- લાડલી બહેનોને દર મહિને 2100 રૂપિયા આપવામાં આવશે અને તાલીમ પણ આપવામાં આવશે. 25000 મહિલાઓને પોલીસ બળમાં સામેલ કરવામાં આવશે.
- ખેડૂતોની દેવામાફી આપવામાં આવશે.
- દરેક ગરીબને ભોજન અને આશ્રય આપવામાં આવશે.
- વૃદ્ધાવસ્થા પેન્શન ધારકોને 2100 રૂપિયા આપવામાં આવશે.
- મહારાષ્ટ્રના બધા પરિવારોને બજારના ઉતાર ચઢાવથી બચાવવા માટે રાજ્યમાં જરૂરી વસ્તુઓની કિંમતો સ્થિર રાખવામાં આવશે.
- આવનારા સમયમાં 25 લાખ રોજગાર સર્જન અને 10 લાખ વિદ્યાર્થીઓને પ્રતિ માસ 10,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.
- રાજ્યના ગ્રામીણ વિસ્તારોના 45,000 ગામોમાં પંધાન સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે.
- નાણાકીય સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે આંગણવાડી અને આશા સેવકોને પ્રતિ માસ 15,000 રૂપિયાનો પગાર અને વીમા કવર પ્રદાન કરવામાં આવશે.
- વીજ બિલોમાં 30% ઘટાડો કરી સૌર અને નવીકરણીય ઊર્જા પર ભાર આપવામાં આવશે.
- સરકાર બન્યાના 100 દિવસની અંદર 'વિઝન મહારાષ્ટ્ર@2029' રજૂ કરવામાં આવશે.
- મહારાષ્ટ્રને ટેકનોલોજી, ઉત્પાદન અને નવીનીકરણના ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે પગલાં લેવામાં આવશે.
- વ્યાપક પ્રવૃત્તિઓ દ્વારા ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવશે.
- વર્ષ 2027 સુધીમાં મહારાષ્ટ્રમાં 50 લાખ લખપતિ દીદી તૈયાર કરવામાં આવશે.
- 'અક્ષય અન્ન યોજના' હેઠળ નીચી આવક વર્ગના પરિવારોને દર મહિને મફત રાશન ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં ચોખા, જુવાર, મગફળીનું તેલ, મીઠું, ખાંડ, હળદર, રાઈ, જીરું અને લાલ મરચું પાવડર સામેલ હશે.
- બધી સરકારી શાળાઓમાં રોબોટિક્સ અને AI શીખવાની તકો પૂરી પાડવા માટે 'મરાઠી અટલ ટિંકરિંગ લેબ્સ યોજના' શરૂ કરવામાં આવશે.
- ઉદ્યોગની જરૂરિયાતો અનુસાર કૌશલ્યની ઊણપનું વિશ્લેષણ કરવા અને તેના આધારે ઉપલબ્ધ કુશળ માનવશક્તિ પ્રદાન કરવા અને જરૂરિયાત મુજબ નવી કુશળ માનવશક્તિની યોજના બનાવવા માટે મહારાષ્ટ્રમાં એક કૌશલ્ય વસતિ ગણતરી યોજવામાં આવશે.
- મહારાષ્ટ્રના દરેક જિલ્લામાં 'છત્રપતિ શિવાજી મહારાજ આકાંક્ષા કેન્દ્ર' સ્થાપિત કરવામાં આવશે, જેના માધ્યમથી 10 લાખ નવા ઉદ્યોગસાહસિકો તૈયાર કરવામાં આવશે.
- અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના ઉદ્યોગસાહસિકોને વ્યવસાય વૃદ્ધિ માટે 115 લાખ સુધીની વ્યાજમુક્ત લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- ઓબીસી, એસઈબીસી, ઈડબલ્યુએસ, એનટી, વીજેએનટીના યોગ્ય વિદ્યાર્થીઓને ટ્યુશન ફી અને પરીક્ષા ફીની પ્રતિપૂર્તિ કરવામાં આવશે.
- 18થી 35 વર્ષના યુવાનોની વાર્ષિક સ્વાસ્થ્ય તપાસ માટે સ્વામી વિવેકાનંદ યુવા આરોગ્ય કાર્ડ (યુથ હેલ્થ કાર્ડ) લૉન્ચ કરવામાં આવશે અને નશામુક્ત મહારાષ્ટ્ર માટે કાયમી યોજના લાગુ કરવામાં આવશે.
- 'વરિષ્ઠ નાગરિકોને પ્રાથમિકતા' સિદ્ધાંતને અપનાવવામાં આવશે.
- જબરદસ્તી અને છેતરપિંડીથી ધર્માંતરણ કરાવવા સામે કડક કાયદો બનાવવામાં આવશે.
- વાઘ, દીપડો, હાથી, ગેંડો, જંગલી ભૂંડ અને વાંદરા જેવા જંગલી પ્રાણીઓથી થતી જાન માલની હાનિને રોકવા માટે AI ટેકનોલોજી અને ડ્રોનનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવશે.
આ પણ વાંચો...