ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે સવારે 10 વાગે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠક મળશે. ગરીબ પરિવારોનાં મૃતકની અંત્યેષ્ટિ માટે વિચારવામાં આવેલી યોજનાને આ બેઠકમાં લીલી ઝંડી મળી શકે છે.
થોડા દિવસો અગાઉ રાજકોટમાં એક ગરીબ આદિવાસી પરિવારને પોતાના પુત્રનો મૃતદેહ વતનમાં લઈ જવા હૉસ્પિટલે એમ્બ્યૂલંસ નહોતી આપી. જેના કારણે પરિવાર કલાકો સુધી બસ સ્ટેંડમાં બેસી રહ્યો હતો. આ ઘટના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધ્યાનમાં આવતાં તેમણે ગરીબ પરિવારોને દુખની ઘડીમાં કઈ રીતે મદદરૂપ બની શકાય તે માટે સૂચનો મંગાવ્યાં હતાં. અગાઉ દેશમાં પણ આવી ઘટનાઓથી રાજ્ય સરકારોની ટીકા થઈ હતી. જેથી રૂપાણી સરકાર આ મુદ્દે ગંભીર છે.
આ સિવાય કેબિનેટની બેઠકમાં સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં આયોજિત ખેલમહાકુંભ, ગરીબ કલ્યાણ મેળા અંગેનાં આયોજન તેમજ રાજયમાં ડેન્ગ્યૂ , મલેરિયા અને ચીકનગુનિયા સહિતના રોગચાળા નિયંત્રણ માટેના પગલાં અંગેના મુદ્દા ચર્ચાના કેન્દ્રસ્થાને રહેશે. આ ઉપરાંત મહેસૂલ અને શિક્ષણ સહિત મહત્વના વિભાગની સમીક્ષા પણ થવાની સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે.