Gandhinagar: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે ચોથો દિવસ છે. પ્રશ્નોત્તરી કાળથી પ્રથમ બેઠકની શરૂઆત થઇ હતી. પ્રશ્નોત્તરીમાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, જળસંપતિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગની ચર્ચા થઇ હતી. પ્રશ્નોત્તરી બાદ પ્રથમ દિવસે રાજ્યપાલ દ્વારા કરાયેલા ગૃહના સંબોધન ઉપર ચર્ચા હાથ ધરવામાં આવશે. બપોરે 3:30 કલાકે ગૃહની બીજી બેઠકની શરૂઆત થશે. બીજી બેઠકની ગૃહના કામકાજની શરૂઆત પ્રશ્નોત્તરીથી થશે. પ્રશ્નોત્તરીમાં કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ વિભાગના પ્રશ્નોની ચર્ચા થશે.


અદાણી પાસેથી વધુ ચાર્જ ચુકવી વીજળી ખરીદી હોવાનો ઉર્જા મંત્રીએ ગૃહમાં સ્વીકાર કર્યો


કરાર બાદ સરકારે અદાણી પાસેથી વધુ ચાર્જ ચુકવી વીજળી ખરીદી હોવાનો ઉર્જા મંત્રીએ ગૃહમાં સ્વીકાર કર્યો હતો.  ધારાસભ્ય તુષાર ચૌધરીના સવાલના જવાબમાં ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે અદાણી સાથે સરકારે 2.89 અને 2.35 પ્રતિ યુનિટ વીજળી ખરીદવા કરાર કર્યા હતા. સરકારે 2022માં 5.38થી 8.85ના દરે વીજળી ખરીદી હતી. સરકારે 2023માં 3.24થી 9.03ના દરે વીજળી ખરીદી હતી. કરારના બદલે સરકારે અદાણીને 8 હજાર કરોડ વધુ ચૂકવ્યાનો વિપક્ષે આરોપ લગાવ્યો હતો.


કોગ્રેસનું વોકઆઉટ


વિધાનસભામાંથી કોંગ્રેસ ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. ખાનગી કંપની પાસેથી મોંઘી વીજળી ખરીદતા હોવાના આરોપ સાથે કોગ્રેસના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. અમિત ચાવડાએ કહ્યું હતું કે  કરાર કરતા ડબલ રૂપિયા ચૂકવી વીજળી ખરીદી છે.


વિધાનસભા અધ્યક્ષે નીતિનભાઇ પટેલને યાદ કર્યા


વિધાનસભા અધ્યક્ષે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલને યાદ કર્યા હતા. અદાણી પાસેથી વીજળી ખરીદવાના પ્રશ્નમાં 14 મિનિટ ચર્ચા ચાલી હતી. ઊર્જા મંત્રીના લાંબા જવાબ થતા અધ્યક્ષે નીતિનભાઈને યાદ કર્યા હતા. અધ્યક્ષે કહ્યું કે જો નીતિનભાઈ હોત તો ટૂંકમાં જવાબ આપી દીધો હોત. ત્રણ ગણી વીજળી વપરાતી થઈ છે,એટલે રાજ્ય સમૃદ્ધ થયું તેવો નીતિનભાઈ  જવાબ આપતા. 3 વર્ષે ખેડૂતોને કનેક્શન મળતા હતા, હવે 6 મહિને કનેક્શન મળતા થયા છે નીતિનભાઈ આવો જવાબ આપી પુરુ કર્યું હોત.


વિધાનસભા ગૃહમાં પ્રશ્નો પૂછવાની પદ્ધતિમાં ફેરફાર કરવાની પણ અધ્યક્ષે ટકોર કરી હોત. અધ્યક્ષે કહ્યું હતું કે રાજકીય પક્ષોના કાર્યાલયમાંથી પ્રશ્નો પૂછવાની પદ્ધતિ બદલવી જોઇએ. એક સરખા, એક જ પ્રશ્ન ઘણા ધારાસભ્યો પૂછે છે. રાજકીય કાર્યાલયમાં એક સાથે પ્રશ્ન ડ્રાફ્ટ કરીને ધારાસભ્યોની સહી લઈ લેવાય છે. મે અગાઉ પણ કહ્યું છે કે પ્રશ્નો વધુ ચર્ચાય તેવા પ્રયાસો કરીએ. થોડો ફેરફાર થયો છે હજુ પદ્ધતિ બદલાય તો વધુ સારું રહેશે.


અર્જુન મોઢવાડિયાના સરકાર પર પ્રહાર   


વિધાનસભામાં ચર્ચા દરમિયાન મોઢવાડિયાએ સરકાર પર પ્રહાર કર્યા હતા. મોઢવાડિયાએ કહ્યું કે નાણાના અભાવે સરકારી યોજના અમલમાં આવતી નથી. ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી થતી નથી.


પાડોશી રાજ્ય પાસેથી બાકી નાણાની ઉઘરાણી થતી નથી. ખેડૂતોની આવક ઘટી છે, ઉત્પાદકતા વધારવાના પ્રયાસો થતા નથી. CM માટે 197 કરોડનું પ્લેન ખરીદ્યુ, 2 વર્ષમાં 20.80 કરોડનો મેન્ટેનન્સ ખર્ચ છે. 2 વર્ષમાં ગટરની સફાઈ કરતા 11 કામદારોના મૃત્યુ પામ્યા છે. 2 વર્ષમાં ગુજરાતમાંથી કરોડોનો વિદેશી દારૂ ઝડપાયો છે.


તેમણે કહ્યું કે બાંધકામ સેસ પેટે 4560 કરોડ રૂપિયા જમા થયા છે. કામદારો પાછળ વાપરવાના બદલે તેના વહીવટમાં વધુ નાણાં વપરાયા છે. અદાણી પાસેથી ખરીદાયેલી વીજળી મુદ્દે કોંગ્રેસના વિધાનસભામાં નેતા અમિત ચાવડાએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે અદાણી સાથેના કરાયેલા કરાર કરતા બેથી ત્રણ ગણા વધુ રૂપિયા ચૂકવી વીજળી ખરીદી છે. ડબલ એન્જિન સરકાર મિત્રને ડબલ ભાવ ચૂકવી વીજળી ખરીદે છે. સરકારે વીજળી ખરીદવામાં 2022 અદાણીને રૂપિયા 4315 કરોડ વધુ ચૂકવ્યા છે. વર્ષ 2023માં સરકારે અદાણીને રૂપિયા 3950 કરોડ વધુ ચૂકવ્યા છે. સરકારે વીજળી બદલ અદાણીને છેલ્લા 2 વર્ષમાં 8265 કરોડ રૂપિયા વધુ ચૂકવ્યા છે.