Gujarat Budget 2023: 15મી ગુજરાત વિધાનસભાનું આજથી બજેટસત્ર શરૂ થશે. 29મી માર્ચ સુધી વિધાનસભાનું બજેટ સત્ર ચાલશે.  આજે પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધનથી ગૃહની કાર્યવાહી શરૂ થશે. શુક્રવારે નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે.


હાલ ઉદ્યોગ વિભાગ અંતર્ગત આવે છે પ્રવાસન વિભાગ


ગુજરાતના પ્રવાસન સ્થળોને વિકસાવવા વધુ ગતિ આપવા સરકારનો નિર્ણય છે. જે અંતર્ગત પ્રવાસન વિભાગને અલગ વિભાગનો દરજ્જો મળી શકે છે. શુક્રવારે રજૂ થનારા ગુજરાતના આગામી બજેટમાં જાહેરાત થશે. ટુરીઝમ ડિપાર્ટમેન્ટને અલગ વિભાગ કરવાની જાહેરાત થશે. હાલ ઉદ્યોગ વિભાગ અંતર્ગત પ્રવાસન વિભાગનું સ્થાન છે. અલગ વિભાગ બનતા પ્રવાસન વિભાગમાં સ્વતંત્ર અધિકારીઓ નિમાશે. ઉપરાંત અલગ દરજ્જા સાથે પ્રવાસન વિભાગને વધુ બજેટ પણ ફાળવાશે. ગુજરાત બજેટમાં છેલ્લે કલાયમેટ ચેન્જ નવા વિભાગ તરીકે અસ્તિત્વમાં આવ્યો હતો.


ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને નહીં મળે વિપક્ષનું પદ


ગુરુવારથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે. આ પહેલા વિધાનસભા સચિવે કોંગ્રેસ નેતા અમિત ચાવડાને પત્ર લખી વિપક્ષનું પદ નહીં મળે તેમ જણાવ્યું છે. પત્રમાં જણાવ્યા મુજબ, જે રાજકીય પક્ષને ચૂંટણી પંચે અખિલ ભારતીય પક્ષ તરીકે કે રાજ્યના પક્ષ તરીકે માન્યતા આપી હોય અને વિધાનસભામાં તે પક્ષના સભ્યોની સંખ્યા વિધાનસભાની કુલ સંખ્યાના 10 ટકા કરતા ઓછી ન હોય તો અધ્યક્ષ તે પક્ષને વિધાનસભા પક્ષ તરીકે માન્યતા આપી શકશે. 15મી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનું સંખ્યાબળ ગૃહની કુલ સંખ્યાના 10 ટકા કરતાં ઓછું હોવાથી વિધાનસભા પક્ષ તરીકે આપના પક્ષને માન્યતા મળવાપાત્ર થતી નથી. આ સંજોગોમાં આપને વિરોધપક્ષના નેતા તરીકે માન્યતા આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.


વિધાનસભાનું સત્ર વિપક્ષના નેતા વિહોણું હશે. સરકારે કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ આપવા માટે તૈયારી બતાવી નથી. તે ઉપરાંત સરકારે કામકાજ સમિતીની બેઠકમાં પણ કોંગ્રેસના બે સભ્યોની માંગ સામે માત્ર એક જ સભ્યને સ્થાન આપ્યું હતું. તેની સામે આમ આદમી પાર્ટીના એક પણ નેતાને આ સમિતીમાં સ્થાન આપવામાં આવ્યું નહોતુ. 


કોંગ્રેસે વિધાનસભાના હોદ્દેદારોની નિમણૂક કરી


કોંગ્રેસને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ મળ્યું નથી. પરંતુ કોંગ્રેસે અગાઉ અમિત ચાવડાને કોંગ્રેસ દળના નેતા તરીકે જાહેર કર્યા હતાં.  કોંગ્રેસ દ્વારા આજે વિધાનસભામાં પક્ષના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. ડો. સી. જે. ચાવડાને દંડક, ડો. કીરીટભાઈ પટેલને ઉપદંડક, વિમલભાઈ ચુડાસમાને ઉપદંડક, ઈમરાનભાઈ ખેડાવાલાને ઉપદંડક, દિનેશભાઇ ઠાકોરને ખજાનચી, કાંતિભાઈ ખરાડીને મંત્રી, ડો. તુષારભાઈ ચૌધરીને પ્રવકતા, જીગ્નેશભાઈ મેવાણીને પ્રવકતા, ગેનીબેન ઠાકોરને પ્રવકતા તથા અનંતભાઈ પટેલને પ્રવકતા બનાવાયા છે.