ગાંધીનગર:  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે ત્યારે પક્ષપલટાની મોસમ શરુ થઈ છે. કૉંગ્રેસમાંથી રાજીનામું આપનારા નેતા દિનેશ શર્મા આજે ભાજપમાં સામેલ થયા છે.  કોંગ્રેસના નેતા દિનેશ શર્મા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં સામેલ થયા છે.


અમદાવાદના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા  ભાટ નજીક નારાયણી ફાર્મથી રેલી યોજી 100થી વધુ ગાડીઓ અને 500 જેટલા બાઇકો પર હજારો કાર્યકર્તાઓ સાથે કમલમ  પહોચ્યાં હતા.  દિનેશ શર્માને ભાજપ પ્રમુખ પાટીલે ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. તે ઉપરાંત સાબરકાંઠા કોંગ્રેસ પૂર્વ મહામંત્રી નારણ પટેલને પણ ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું. 



દિનેશ શર્માએ કહ્યું હું જે પક્ષમાં જોડાયો તેના સારથી નરેન્દ્ર મોદી છે . સી.આર.પાટીલ મહાભારતના અર્જુન સમાન છે. આ સાથે જ તેમણે ઉમેર્યું કે 2022માં ભાજપની જીત થશે.  દિનેશ શર્માએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું  કોંગ્રેસમાં કોઈ સિસ્ટમ જ નથી, કોંગ્રેસમાં પક્ષ કે કાર્યકર્તાઓના હિતમાં કોઈ નિર્ણય નથી લેવાતા. બે પાંચ નેતાઓના હિતમાં જ નિર્ણય લેવાય છે. કોંગ્રેસમાં જમીન સ્તર પર કામ કરનારાઓની કોઈ જગ્યા નથી. 


દિનેશ શર્માએકહ્યું હતું કે, કેટલાક સમયથી કોંગ્રેસમાં નિર્ણય નિશ્ચિત લોકો માટે લેવાયા છે. કોંગ્રેસ પાર્ટીમાં રહી સમય વેડફવાનો યોગ્ય નથી. પ્રજાહિતના કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું.હું કોઈ અપેક્ષા સાથે નથી જોડાયો.


2022ની વિધાનસભા ચૂંટણીને લઇ કોગ્રેસે જાહેર કર્યો મીની મેનિફેસ્ટો


2022ની વિધાનસભાની ચૂંટણીને લઈ કૉંગ્રેસે મીની મેનિફેસ્ટો જાહેર કર્યો છે. દ્વારકામાં યોજાયેલ ચિંતન શિબિરમાં મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગૃહિણીઓને ગેસ સિલિંડર 500ની અંદર આપવાની કૉંગ્રેસે જાહેરાત કરી છે તો રહેણાક મકાનોના વીજબિલમાં કોંગ્રેસ રાહત આપશે અને પાણીવેરામાં ઘટાડો કરશે તેવી જાહેરાત કરી છે.


જગદીશ ઠાકોરે જાહેરાત કરી હતી  કે જૂની પેન્શન યોજના અમે ફરી લાગુ કરીશું અને ફિક્સ પગાર વ્યવસ્થા અમે નાબૂદ કરીશું. સાથે જ ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે અને ખેતી માટેની વીજળીના બિલ 50 ટકા કરવામાં આવશે તેવી વાત કરાઇ છે. તે સાથે જ હાલની જમીન માપણી રદ કરી નવેસરથી માપણી કરવાની પણ જાહેરાત કરવામા આવી છે. તમામ ખેતપેદાશોના ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે. તો કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 4 લાખની સહાયની જાહેરાત કરાઈ છે. 


સરકારી કર્મચારીઓ કોરોનામાં મૃત્યુ પામ્યા છે. તેના સંતાનને સરકારી નોકરી આપીશું તેવું વચન આપ્યું છે. તો સાથે જ આરોપ લગાવ્યો હતો કે કલેકટર અને SP ઓફિસ ખંડણી અને તોડ માટેની કચેરી બની છે. કોંગ્રેસ સરકારની પહેલી કેબિનેટમાં આવા અધિકારીઓ સામે કાર્યવાહી થશે.