ગાંધીનગરઃ કોગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના રાજકીય કરિયરને લઇને વાત કરી હતી. દરમિયાન અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, હું કોગ્રેસની સાથે છું અને કોગ્રેસની સાથે રહેવાનો છું. આ સાથે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાને લઇને ઉભી થયેલી અટકળો પર પૂર્ણવિરામ મુકાઇ ગયો છે. અલ્પેશ ઠાકોરે લોકસભા ચૂંટણી નહી લડે. તેણે કહ્યું હતું કે, હું ગુજરાતમાં રહીને લોકોની સેવા કરવા માંગું છું. આ ઉપરાંત બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કોગ્રેસમાંથી રાજીનામું નહી આપે. જ્યારે કોગ્રેસ છોડીને ભાજપમાં જઇ રહેલા કોગ્રેસના નેતાઓને તેણે શુભકામના આપી હતી.




વધુમાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે મારી પત્ની ક્યારેય રાજકારણમાં આવવાની નથી. મારી પત્ની ફક્ત મારુ ઘર સંભાળશે. જો સમાજ કહેશે તો હું ફક્ત ઠાકોર સેના જ ચલાવીશ. મારી સાથે જોડાયેલા લોકો ગરીબ અને સંઘર્ષ કરનારા છે.



દરમિયાન અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, હું મારા સમાજ અને સમાજના લોકો માટે લડતો રહીશ. મંત્રી બનવું મને પણ ગમે પરંતુ મારી સાથે જોડાયેલા લોકો ગરીબ છે અને તેમના માટે હું સંઘર્ષ કરતો રહીશ. સત્તા જોઇતી હોત તો હું છ મહિના અગાઉ જ મંત્રી બની ગયો હોત.