ગાંધીનગરઃ આજે રૂપાણી સરકારના મંત્રી મંડળનું  વિસ્તરણ થયું છે. ગઈકાલે જ ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. જવાહર ચાવડા પછી રાજ્યપાલ ઓ.પી. કોહલીએ યોગેશ પટેલને મંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા. યોગેશ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા હતા. આ સિવાય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ મંત્રી તરીકેના શપથ લીધા હતા.શપથવિધિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.


યોગેશ પટેલે લીધા રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ


નીતિન પટેલે જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીના મંત્રીમંડળમાં વધુ ત્રણ મંત્રીઓનો સમાવેશ થયો છે. કેબિનેટ મંત્રી તરીકે જવાહર ચાવડા અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યોગેશ પટેલે શપથ લીધા છે. હજુ સુધી તેમને ખાતાની ફાળવણી કરવામાં આવી નથી. સી.કે. રાઉલજીના નામની ચર્ચા પણ હતી. જોકે, તેમણે શપથ લીધા નથી.



વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ ભાજપના સૌથી સિનિયર ધારાસભ્ય ગણાય છે. તેઓ સતત પાંચ ટર્મથી ચૂંટાતા આવ્યા છે. એટલું જ નહી તેઓ સંસદીય સચિવ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. માણાવદર બેઠક પરથી ચાર ટર્મના ધારાસભ્ય રહી ચૂકેલા કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં  આવ્યા હતા.