ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસમાં ભંગાણ પડે એવી શક્યતાઓ ઉભી થઈ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, કોંગ્રેસના ત્રણ ધારાસભ્યે રાજીનામું આપી દીધાં છે. રાજીનામાની ચર્ચા વચ્ચે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યો છે. જેમાં તેમણે ભાજપ પર ધારાસભ્યો ખરીદવાનો આક્ષેપ લગાવ્યો છે.

તેમણે ""કાળા કામનો સરવાળો: કેકે""ના ટાઇટલ સાથે ટ્વીટ કર્યું છે કે, શું હવે "ધમણ" ની કમાણીથી જ શરૂ કરી દિધી છે.., ધારાસભ્યોને ખરીદવાની દુકાન..? #ગુજરાત_બચાવો_અભિયાન.


સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢાપરમાર અને વલસાડના કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામાં આપી દીધું હોવાનું સૂત્રો જણાવે છે. આ ઉપરાંત બીજા કેટલાક ધારાસભ્યો પણ હજુ રાજીનામાં આપે તેવી શક્યતા હોવાનું પણ સૂત્રો જણાવે છે. રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યારે કોંગ્રેસે બે ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભાજપના ઉમેદવાર નરહરી અમીને રાજ્યસભાની ચૂંટણીમાં જીતવા માટે પોતાની બધી તાકાત લગાવી દીધી છે.