ગાંધીનગરઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 57 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. નિસર્ગ વવાઝોડાના પગકે રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ વરસાદ પડ્યો હતો. વલસાડના ધરમપુરમાં સૌથી વધી 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ડાંગમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે તાપીના નિઝરમાં અઢી ઇંચથી વધુ, ડાંગના સુબીરમાં અઢી ઇંચ, વઘઇમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો.


વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં વહેલી સવારથી જ વાતારવણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો મોડી રાત્રે પણ કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, રામોલ,નરોડા, સોનીની ચાલી, રખિયાલ, બાપુનગર, આસ્ટોડિયા સહિતના વિસ્તારોમા પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતો. આ સિવાય પ્રહલાદનગર, ઈસ્કોન બ્રિજ, જોધપુર સર્કલ, શ્યામલ સર્કલ, સેટેલાઈટ, વૈષ્ણોદેવી સર્કલ, બોડકદેવ, ગોતા, થલતેજ, સરખેજ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે અમદાવાદમાં હળવો વરસાદની આગાહી કરી છે.