અમદાવાદઃ કોરોના વાયરસના વધતા કેસોની સાથે તેને લગતા ફેક ન્યુઝની સંખ્યા પણ વધી રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર સાવ ખોટી વાતો સમાચારના નામે મૂકીને અફવાઓ ફેલાવવામાં આવે છે. આવી જ એક અફવા એવી ફેલાવાઈ હતી કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ અફવા ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવા બદલ બદલ પોલીસે ફૈઝલ ખાન યુસુફ નામના યુવકની ધરપકડ કરી છે.


ફૈઝલ ખાન યુસુફ ઝાલ નામની પ્રોફાઈલ હેઠળ આ યુવકે 15 એપ્રિલના રોજ બિગ બ્રેકીંગ મથાળું લખી તેની નીચે હિન્દીમાં ‘ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે’ એવી સાવ ખોટી પોસ્ટ કરી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે એ વાત સાવ ખોટી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો પછી રૂપાણીની તપાસ કરાઈ તેમાં તેમને કોરોનાનાં કોઈ લક્ષણો નહીં હોવાની સ્પષ્ટતા કરાઈ હતી. ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર રીતે આ જાહેર કરવામાં આવી હોવા છતાં ખોટી અફવા આ યુવકે ફેલાવી હતી.

સાયબર ક્રાઈમનું સોશિયલ મોનિટરિંગ સેલ હાલમાં લોકોની સોશિયલ મીડિયાની એક્ટિવિટી પર ચાંપતી નજર રાખીને બેઠું છે. કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર કોઇ અફવા ફેલાવે તેવા કે જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અસર થાય તેવી ગુનાહિત પ્રવૃત્તિ કરે તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ફૈઝલ સામે પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.