ગાંધીનગર: સમગ્ર ગુજરાત સહિત દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના કુલ 1248 પોઝિટિવ દર્દીઓ થતાં વહીવટી તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે, ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે એક ખુશખબર સામે આવ્યા છે. ગુજરાતના આ શહેરમાં કોરોનાનો છેલ્લો એક દર્દી કોરોના સામેની જંગ જીતીને ઘરે જતાં ગાંધીનગર કોરોનામુક્ત બન્યું છે. ગાંધીનગરના મેયર રિટા પટેલે તેમના લેટરપેડ પર આ અંગેની જાણકારી આપી હતી.

ગાંધીનગરના મેયર રિટા પટેલે તેમના લેટરપેડ પર જણાવ્યું હતું કે, છેલ્લા દર્દીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી રજા આપતાં હવે ગાંધીનગર કોરોનામુક્ત થયું છે. ઉમંગ પટેલ દુબઈથી પરત ફર્યાં હતાં અને ત્યાર બાદ જ કોરોના વાયરસે સમગ્ર કુટુંબના સભ્યોને પોતાની ઝપેટમાં લીધા હતાં. 19 માર્ચના રોજ ઉમંગભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો હવે એક મહિના બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

ગાંધીનગરના રહેવાસી ઉમંગ પટેલ કોરોના સામેની જંગ જીતતાં અમદાવાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. નોંધનીય છે કે, ઉમંગ પટેલ તથા તેમના પત્ની પીનલબહેન દુબઈનો પ્રવાસ પૂરો કરીને પરત ફર્યા હતાં. જેથી 19 માર્ચે તેમનું બ્લડ સેમ્પલ લેવામાં આવતાં ઉમંગભાઈનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમના દાદી, પિતા, ફૂવા, ફઈ, વગેરે કુટુંબસભ્યોમાં આ વાયરસનું સંક્રમણ ફેલાયું હતું. જોકે એક પછી એક તમામ સભ્યો સ્વસ્થ થયા હતાં જોકે એકમાત્ર મોટી ઉંમર અને શરીરમાં અન્ય રોગ હોવાના કારણે તેમના દાદાનું અવસાન થયું હતું.

ગાંધીનગર મેયરે કોરોના સામેની લડાઈમાં ઉત્તમ કામગીરી બદલ ગાંધીનગર મહાપાલિકાના સમગ્ર સ્ટાફ, આરોગ્ય તંત્ર તેમજ કલેક્ટર કચેરી અને પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે બે દિવસ પહેલા જ ભારતમાંથી ગોવા પણ કોરોનામુક્ત બન્યું છે. ગોવા સમગ્ર ભારતમાંથી કોરોનાને હરાવનાર પહેલું રાજ્ય બન્યું છે. ગોવા પછી મણિપુર પણ કોરોનાને હરાવવામાં સફળ રહ્યું છે.