ગાંધીનગરઃ  મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી હાઇલેવલની મિટિંગમાં લોકડાઉનમાં છૂટછાટને લઇને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ મામલે જાણકારી આપતા સીએમઓના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર જેવા મહાનગરોમાં કોઈ છૂટછાટ અપાશે નહીં. આ શહેરોમાં જીવન જરુરિયાતની વસ્તુઓ દૂધ, અનાજ, કરિયાણા, શાકભાજી, દવા  સિવાયની દુકાનો માટે કોઇ વધારાની છૂટછાટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. તે સિવાય  રાજ્યમાં કોઇ પણ ઝોનમાં  પાન- ગલ્લાની દુકાન ખોલવાની મંજૂરી નથી.


અશ્વિની કુમારે કહ્યું કે, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં રહેલા જિલ્લાઓમાં બ્યૂટી પાર્લર, સલૂન, ચાની દુકાન ખોલી શકાશે. તે સિવાય ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં એસ.ટી.ની બસો વધુમાં વધુ ૩૦ મુસાફરો સાથે ચાલુ થઇ શકશે. બોટાદ, બોપલ, ગોધરા, ઉમરેઠ, ખંભાત, બારેજા નગરપાલિકા વિસ્તારોમાં પણ પ્રતિબંધ યથાવત રહેશે. ભરેલા કે ખાલી માલવાહક વાહનોને સમગ્ર રાજ્યમાં વગર રોકટોકે અવરજવરની છૂટ આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી નાગરિકો ઘરની બહાર નીકળી શકશે નહીં.