ગાંધીનગરઃ રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે લોકડાઉન લાગુ છે. મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી હાઇલેવલની મિટિંગમાં લોકડાઉનને લઇને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સીએમઓના સચિવ અશ્વિની કુમારે સરકારે લીધેલા નિર્ણયોની માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોરોનાના વધુ કેસ હોવાના કારણે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર જેવા મહાનગરોમાં કોઈ છૂટછાટ નહિ અપાય. તે સિવાય રાજ્યમાં પાન- ગલ્લાની દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કોઇ પણ ઝોનમાં પાનની દુકાન ખોલવાની મંજૂરી નથી.
તે સિવાય અશ્વિની કુમારે કહ્યુ કે, રાજ્યમાં કોરોનાના કેસ વધુ હોવાના કારણે લોકડાઉનના કડક પાલનની જરૂર છે. જીવન જરૂરિયાતની વસ્તુ સિવાય કોઈ પણ ઓફિસ ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહિ. રાજકોટ ભલે ઓરેન્જ ઝોનમાં હોય પરંતુ ત્યાં પણ લોકડાઉનમાં કોઇ છૂટછાટ અપાશે નહીં.
ઉપરાંત અશ્વિની કુમારે કહ્યું કે, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં બ્યૂટીપાર્લર અને સલુનની દુકાન ખોલી શકાશે. તે સિવાય ગ્રીન ઝોનમાં એસ ટી બસ સેવા પણ શરૂ કરાશે.