ગુજરાતમાં આ પહેલો કિસ્સો છે જ્યાં બેદરકારી દાખવવા બદલ કોરોનાના દર્દીઓ સામે પોલીસે ગુનો નોંધવામાં આવ્યો હોય. ગાંધીનગરમાં સેક્ટર 21 પોલીસે 26 વર્ષીય યુવક, તેની પત્ની, ભાભી અને લગભગ 50ની ઉંમરના તેના કાકા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ તમામ સામે ઈન્ફેક્શન ફેલાવા, એક્સિક્યુટિવ મેજિસ્ટ્રેટનો હુકમ ના માનવા ઉપરાંત એપિડેમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસર કલ્પેશ ગોસ્વામીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, સેક્ટર 29માં રહેતું આ યુવાન દંપતી 17 માર્ચે દુબઈથી પરત આવ્યું હતું. તેમને 15 દિવસ માટે હોમ ક્વોરન્ટીનમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ દંપતીને અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યા બાદ 20 માર્ચે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને આ વિશે જાણ થઈ હતી.
મેડિકલ ઓફિસર કલ્પેશ ગોસ્વામીએ કેસની તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે, આ કપલે હોમ ક્વોરન્ટીનનો આદેશનું પાલન કર્યં ન હતું. તેઓ પોતાના બે સંબંધીઓને મળ્યા હતાં. કપલના 50 વર્ષીય કાકા ગાંધીનગર જિલ્લાના વેડા ગામના પ્રાથમિક આરોગ્ય કેંદ્રમાં ફાર્મસિસ્ટ તરીકે કામ કરે છે. ફરિયાદ પ્રમાણે, હવે આ તમામનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અન્ય લોકોને મળીને તેમણે નિયમોનો ભંગ કર્યો છે. તેઓ હોમ ક્વોરન્ટીનમાં પણ રહ્યા નહોતા. જેના કારણે અન્ય લોકોમાં પણ ઈન્ફેક્શન ફેલાયું છે.
સેક્ટર 21ના ઈન્સ્પેક્ટર અમરસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ચારે આરોપીઓને અસારવા સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. તેમને ડિસ્ચાર્જ અપાશે ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો આ તરફ આ ચારેય શખ્સો અન્ય લોકોને મળ્યા હતાં કે નહીં તે સંદર્ભમાં આરોગ્ય વિભાગ અને પોલીસે તપાસ હાથ ધરી છે.