આ પરિવારમાં સૌથી પહેલાં યુવકને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું. દુબઈથી પરત ફરેલા કોરોનાના ચેપનો ભોગ બનેલા યુવકે સેલ્ફ આઈસોલેશનમાં જવાના નિયમનું પાલન ના કરીને કરેલી ભૂલના કારણે તેનો આખો પરિવાર ખતરામાં આવી ગયો છે. આ ચેપના કારણે યુવાનના પરિવારના જ વધુ બે સભ્યો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. યુવકે વિદેશથી આવ્યા પછી 14 દિવસ માટે સેલ્ફ આઈસોલેસનમાં જતા રહેવાના સરકારના આદેશનું પાલન ના કરતાં તેનો પરિવાર મુશ્કેલીમાં મૂકાયો છે.
આ યુવાનની સાથે જ દુબઈથી પરત આવેલી તેની પત્ની અને તેમના સંપર્કમાં આવેલાં 80 વર્ષના દાદી કોરોનાનો ભોગ બન્યાં છે. બંનેનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આમ એક જ ઘરમાંથી ત્રણ સભ્યો કોરોના વાયરસની ઝપેટમાં આવી જતાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પરિવારના યુવાનને અમદાવાદ સિવીલ ખાતે આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે. તેની પત્ની અને દાદીને ગાંધીનગર સિવીલ આઈસોલેશનમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત આ પરિવારના ઘરે કામ કરતી મહિલાને યુથ હોસ્ટેલ ખાતે ક્વોરેન્ટાઈન રાખવામાં આવી છે. જે લોકો આ યુવાન કે પરિવાર સાથે અડધો ક્લાક માટે પણ સંપર્કમાં આવ્યા હોય તે તમામને પોતપોતાની રીતે ૧૪ દિવસ માટે હોમ ક્વોરોન્ટાઈનમાં રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. યુવાનના સંપર્કમાં આવેલો તેનો મિત્ર સહિત કેટલાક લોકોને પણ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.