ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના કારણે વધુ એકનું મોત થયું છે. ગોધરાના 78 વર્ષીય વૃધ્ધ અબ્દુલ પટેલનું ગુરૂવારે મોડી રાત્રે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કોરોના વાઈરસથી મોત થતાં મોતનો આંકડો 8 પર પહોંચ્યો છે. પંચમહાલ જિલ્લામાં કોરોનાવાયરસના કારણે મોતનો આ પહેલો કિસ્સો નોંધાયો છે.

બે દિવસ પહેલાં જ આ વૃધ્ધનો કોરોનાવાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વૃધ્ધ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. વડોદરા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવતે વૃધ્ધના મોતની વાતને સમર્થન આપ્યું છે.



ગોધરાના વેજલપુર રોડ પાણીની ટાંકી પાસે રહેતા 78 વર્ષીય વૃદ્ધ અબ્દુલ પટેલને કોરોના વાઈરસના લક્ષણો દેખાતા વાઘોડિયા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 52 વર્ષીય પુરૂષનું ગુરૂવારે કોરોના વાઈરસની બીમારીથી મોત નીપજ્યું હતું. મૃતકની પત્ની, પુત્ર, પુત્રવધુ અને દીકરી તમામને કોરોના વાઈરસ પોઝિટિવ છે અને તમામની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.