ગાંધીનગર: ઈરાનમાં અપહરણનો ભોગ બનેલ નરોડાનું દંપત્તિ હાલમાં વતન પરત ફર્યું છે. ગાંધીનગરની એસકે હોસ્પિટલમાં હાલ પંકજ પટેલની સારવાર ચાલી રહી છે. પંકજ પટેલની હાલની પરિસ્થિતિ અંગે સારવાર કરી રહેલા ડોકટરે નિવેદન આપ્યું છે. પંકજ પટેલ અને તેના પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પંકજ પટેલને પીઠમાં 25 જેટલા ઘા મારવામાં આવ્યા છે. પંકજ પટેલની માનસિક સ્થિતિ હજુ સારી નથી. ડોક્ટરે કહ્યું કે, અમે વાત કરી ત્યારે પણ ખૂબ ડરતા હતા, હજુ ખૂબ ડરી રહ્યા છે.
પંકજ પટેલ હોસ્પિટલમાં આવીને ખુબ રડ્યા છે. પીઠના ભાગે ઇન્ફેક્શન થયેલું છે. 7થી 8 દિવસ જમવાનું ખૂબ ઓછું મળ્યું છે. પંકજ ભાઈના વાઇફ પ્રેગ્નેન્ટ છે. તેમની અને તેમના ગર્ભમાં રહેલા બાળકી તબિયત સારી છે. પંકજભાઈ કરતા તેમના પત્ની મેન્ટલી સ્ટ્રોંગ છે.
તો બીજી તરફ આ અંગે પંકજ પટેલના મામાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હાલ પંકજ અને તેમની પત્ની હોસ્પિટલમાં છે. ડોક્ટરના કહેવા પ્રમાણે પંકજને 8 કલાક હોસ્પિટલમાં રાખવો પડશે. કદાચ એક દિવસ પણ હોસ્પિટલમાં રાખવો પડશે. રાજ્ય સરકાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસના પ્રયાસથી પાછા આવ્યા છે. પંકજ હજુ પણ ડરી રહ્યો છે. 6 દિવસ સુધી એમને સાથ સહકાર આપનાર તમામનો આભાર માનીએ છીએ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને હર્ષ સંઘવીનો ખાસ આભાર.
શું હતો કેસ?
અમદાવાદના નરોડામાં રહેતા દંપતી પંકજ અને નીશા પટેલે એજન્ટ મારફતે વાયા ઈરાન થઈને અમેરિકા જવા નીકળ્યું હતું. અમેરિકા જવા માટે 1.15 કરોડ રૂપિયામાં ડીલ નક્કી થઈ હતી, જોકે તેમણે એજન્ટને કોઈ રૂપિયા આપ્યા નહોતા. તેમને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવ્યા. ત્યાંથી બીજો એજન્ટ વાયા દુબઈ, ઈરાન થઈને અમેરિકા લઈ જશે તેવી ડીલ થઈ હતી. જોકે અમેરિકા જવાના બદલે ઈરાનમાંથી તેમનું અપહરણ કરી લેવાયું હતું.
પીઠ પર બ્લેડના ઘા
સામે આવેલા વીડિયોની અંદર યુવકને ઊંધો સૂવડાવી દેવામાં આવ્યો છે અને એક વ્યક્તિ તેના પીઠ ઉપર બ્લેડ વડે સંખ્યાબંધ વાર ઈજા પહોંચાડે છે. થોડીવારમાં આખી પીઠ લોહીથી ખરડાઈ જાય જાય છે અને દર્દમાં કણસતો, બૂમો પાડતો યુવક અપહરણ કરનાર લોકોને રૂપિયા ચૂકવી દેવા માટે આજીજી કરી રહ્યો છે. જો આ યુવકનું અપહરણ થયું હોય તો અમેરિકા જવાની ઘેલછામાં વધુ એક યુવક ફસાયો હોવાનું સ્પષ્ટ સાબિત થાય છે.