ગાંધીનગર: લોકડાઉન વચ્ચે રાજ્યમાં દુકાનો ખોલવાને લઇને રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. સીએમઓના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં આવતીકાલથી તમામ જિલ્લાઓમાં આવેલી દુકાનો શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. અશ્વિની કુમારે કહ્યું હતુ કે, મોલ-કોમ્પ્લેક્સ સિવાયની દુકાનો શરૂ કરી શકાશે. સ્ટેશનરી,ચશ્માંની દુકાનો,પ્રોવિઝન સ્ટોર જેવી દુકાનો શરૂ કરી શકાશે. સાથે તેમણે કહ્યું હતુ કે રાજ્યમાં પાન મસાલાની દુકાનો શરૂ કરવા દેવામાં નહી આવે. તે સિવાય સલૂન, સ્પા અને દારૂની દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી નથી. શહેરમાં મોલ અને માર્કેટ સિવાયની દુકાનો ખોલી શકાશે. જોકે, કન્ટેન્ટમેન્ટ એરિયા બહાર આવેલી દુકાનો જ શરૂ કરી શકાશે. સાથે તેમણે કહ્યુ કે, હોટસ્પોટ વિસ્તારમાં કોઈપણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં.
અશ્વિની કુમારે કહ્યુ કે, દુકાનો શરૂ કરવા માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. કન્ટેનમેન્ટ ઝોન બહાર આવેલી દુકાનો જ ખોલી શકાશે. તે સિવાય માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવું પડશે. ઉપરાંત 50 ટકા કર્મચારી સાથે કામ કરવું પડશે.
ઉપરાંત તેમણે કહ્યુ કે, દુકાનદારોએ પાસ કઢાવવાની જરૂર રહેશે નહીં. પરંતુ દુકાનદારોએ જરૂરી ગુમાસતા ધારાનું લાયસન્સ અથવા અન્ય પુરાવા સાથે રાખવા જરૂરી રહેશે. રાજ્યની સહકારની મંડળીઓની વ્યવસ્થાપક મંડળની મુદ્દત 31 જૂન સુધી લંબાવવામાં આવી છે.