ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ, કોરોના મહામારી ચાલી રહી છે. બીજી તરફ નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને પગલે રાજ્યનું વહીવટી તંત્ર સતર્ક અને સુસજ્જ છે. સમગ્ર પરિસ્થિતિ પર રાતભર ચાંપતી નજર રાખવામાં આવી છે. અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, તમામ આગોતરી કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી જિલ્લામાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. તેમણે કોરોનાની મહામારીના સમયે રાખવામાં આવી રહેલી તકેદારી અંગે પણ વાત કરી હતી.

રાજ્યના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે આજે સવારે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં ૫૦ હજારથી વધુ લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ તમામ આશ્રયસ્થાનો પર કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓને કોઈ જ તકલીફ ન પડે એ રીતે વીજ પુરવઠાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.

નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને પગલે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૦૦ થી ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાક તીવ્રતાથી પવનના સપાટાની સંભાવના છે. ભરુચ અને અન્ય વિસ્તારોમાં ૭૦ થી ૮૦ કિલોમીટરની તીવ્રતાથી પવન ફુંકાવાની સંભાવના છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ જોવાઈ રહી છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફની ૧૫ ટીમો, એસડીઆરએફ ની ૬ ટીમો તહેનાત કરવામાં આવી છે. રાજ્યમાં તમામ માછીમારોને પાછા કાંઠે બોલાવી લેવામાં આવ્યા છે. ભારે પવનની સંભાવનાને પગલે વાપી અને સુરત આસપાસના વિસ્તારોના કેમિકલ ઉદ્યોગો સાથે જિલ્લા વહીવટી તંત્રે વિચાર વિમર્શ કરીને સલામતી માટે પૂરતા પગલાં લીધા છે. વાપીમાં મોટાભાગની ઇન્ડસ્ટ્રીને આજે બંધ રાખવાની સુચના આપવામાં આવી છે. એટલું જ નહીં, જીંગા ફાર્મ અને મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમીકોને પણ સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

સુરત, વલસાડ અને અન્ય શહેરોમાં ૨૩૬ જેટલા વિશાળકાય હોર્ડિંગ્સ સલામતીના કારણોસર ઉતારી લેવામાં આવ્યા છે. ૧૨૦થી વધુ હાઈ માસ્ટ લાઈટને નીચે ઉતારી લેવામાં આવી છે. પંકજ કુમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના તમામ ખાતાઓ જિલ્લા અને તાલુકાના વહીવટી તંત્ર સાથે સીધા સંપર્કમાં છે. પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડાની અસરની સંભાવનાવાળા વિસ્તારોમાં ૨૫૦ થી વધુ સગર્ભા મહિલાઓને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવી છે. ૨૫૦થી વધુ એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે અને ૧૭૦ જેટલી મેડિકલ ઈમરજન્સી ટીમો આ વિસ્તારોમાં તૈનાત રાખવામાં આવી છે.