ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા કોંગ્રેસના સહપ્રવક્‍તા અને અમદાવાદના દરિયાપુર વિધાનસભા મતવિસ્‍તારના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં અમદાવાદ શહેર/જિલ્લામાં પ્રવાસન સ્‍થળોના વિકાસ માટે ફાળવેલ રકમ અંગે પ્રશ્ન પૂછી માહિતી માંગી હતી. જેના લેખિત જવાબમાં રાજ્‍ય સરકારના પ્રવાસન મંત્રીએ જણાવ્‍યું કે, અમદાવાદ શહેર/જિલ્લામાં આવેલ પ્રવાસન સ્‍થળોમાં ધોળકા તાલુકાનું ગણેશપુરા મંદિર અને પરપોટિયા મહાદેવ મંદિર, અમદાવાદ શહેરમાં આવેલ સાબરમતી આશ્રમ, હરિજન આશ્રમ, ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત ખાદીગ્રામ ઉદ્યોગ અને સાબરમતી ગૌ શાળા અને વિકાસની કામગીરી, કોચરબ આશ્રમના વિકાસ માટે રૂ. ૨૫૧૦.૪૨ લાખની રકમ ફાળવી છે. જ્‍યારે અમદાવાદ શહેરમાં આવેલ ઐતિહાસિક સ્‍થળો જેવા કે સરખેજ રોજા, શાહેઆલમ દરગાહ, જામા મસ્‍જીદ જેવા પ્રવાસન સ્થળોનો સમાવેશ કરાયો નથી. શેખે સ્થળોનો પ્રવાસન સ્થળમાં સામેલ કરવાની માંગણી કરી હતી.


અમદાવાદમાં  બે વર્ષમાં કેટલા BPL પરિવાર વધ્યા ?

અન્‍ય એક પ્રશ્નમાં ખુદ સરકારે જ કબુલ કર્યું કે, અમદાવાદ શહેરમાં ગરીબ બી.પી.એલ. પરિવારોની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો થયો છે. વાયબ્રન્‍ટ ગુજરાતના અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં ૪૯૭ બી.પી.એલ. પરિવારોનો વધારો થયો છે.

રાજ્ય સરકારે ST નિગમને કેટલું બસ ભાડું ચૂકવવાનું છે બાકી ?

ગ્‍યાસુદ્દીન શેખના બીજા એક પ્રશ્નના જવાબમાં વાહનવ્‍યવહાર વિભાગે જણાવ્‍યું કે, રાજ્‍ય સરકારે સરકારી કાર્યક્રમો માટે ભાડે લીધેલ એસ.ટી. નિગમની બસોના ભાડા પેટે રૂ. એક કરોડથી વધારેની માતબર રકમ ચૂકવવાની બાકી છે. આ બાકી રકમ તાત્‍કાલિક એસ.ટી. નિગમને ચૂકવવા પણ શેખે માંગણી કરી હતી.