નીતિન પટેલે એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર પોતાની ફરજ બજાવે છે. લોકોના સ્વાસ્થ્ય માટે સરકાર આ પગલા લઈ રહી છે. સાથે સાથે મને આનંદ છે કે, આપણું ગુજરાત એ સમૃદ્ધ રાજ્ય છે. નાગરિકો પણ ખૂબ જાગૃત અને ખૂબ દીર્ઘ દ્રષ્ટી વાળા છે. દાખલા તરીકે, ગઈ કાલે મને કડી નગર પાલિકાના હોદ્દેદારો તરફથી ફોન આવ્યો કે, કડી નગરપાલિકાના વેપારી એસોસિએશનો એ બધા એવો વિચાર કરી રહ્યા છે કે, અમે સ્વયંભૂ બે ત્રણ દિવસ માટે કડીના બજારો બંધ રાખીએ. જેથી ગામડેથી બધા લોકો ખરીદી કરવા આવતા હોય, બજારમાં ભીડ થતી હોય એથી થતું સંક્રમણ અટકાવી શકાય.
તેમણે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત, સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય કે નગરપાલિકા હોય, તે પોત પોતાની રીતે પરિસ્થિતિને ધ્યાનમાં લઈ નિર્ણય કરે છે. સ્વયંભૂ નિર્ણય કરીને બજારો બે-ત્રણ દિવસ બંધ રાખે છે, તો એ વધારે સારું છે. એમાં સરકારને કોઈ વાંધો પણ નથી. પરંતુ જે શહેરમાં એક પણ કેસ ન આવ્યો હોય અને ઉત્સાહમાં આવીને કહે કે બજારો બંધ, તો એવું ન કરવું જોઇએ. સંક્રમણ થતું હોય અને બંધ કરે તો એ ચોક્કસ સારું છે.