અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોનો ગ્રેડ પે ઘટાડવાના મુદ્દે ભારે વિરોધ પછી રાજ્ય સરકારે પરિપત્ર પાછો ખેંચીને 4200 રૂપિયાનો ગ્રેડ પે યથાવત રાખ્યો છે. સરકારના આ નિર્ણયના પગલે એવા મેસેજ ફરતા થયા છે કે, ગ્રેડ પે સુધરી ગયો છે જ્યારે અન્ય વિભાગના કર્મચારીઓને સરકાર અન્યાય કરી રહી છે.


આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે કે, પ્રાથમિક શિક્ષકોનો ગ્રેડ પે સુધરી ગયો હોવાની ભ્રામક અફવા ફેલાવીને કેટલાક બની બેઠેલાં રાજકારણીઓ અન્ય વિભાગના કર્મચારીઓને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. આ બાબત કોઇપણ રીતે યોગ્ય નથી તેમજ સ્વીકારવા પાત્ર પણ નથી.

સ્વર્ણિમ સંકુલમાં એક પત્રકાર પરિષદને સંબોંધન કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષકોને 4200 રૂપિનો ગ્રેડ પે મળતો જ હતો અને તેમાં કોઈ વધારો કરાયો નથી. આ અંગે ગેરસમજ ઉભી થઈ હોવાથી તેને લગતો પરિપત્ર રદ્દ કરાયો છે. આમ તેમના પે ગ્રેડમાં કોઈ સુધારો કરાયો નથી પણ કોરોના મહામારીના કપરા કાળમાં પણ રાજકીય આગેવાનો દ્વારા કર્મચારીઓને ગેરમાર્ગે દોરીને ઉશ્કેરવામાં આવે છે, જે કોઇપણ રીતે યોગ્ય નથી અને સ્વીકારવા યોગ્ય પણ નથી. સરકારના દરેક કર્મચારીઓ/આગેવાનો ભ્રામક પ્રચારમાં દોરાઈ ઉશ્કેરણીજનક વાતોમાં ન આવે તેમજ ખોટી માંગણીઓ કરવી ન જોઈએ.

તેમણે કહ્યું હતું કે રાજય સરકારના અધિકારી-કર્મચારીઓને તેમને મળવા પાત્ર વેતન-ભથ્થાં પૂરા પાડવાં એ અમારી નૈતિક ફરજ છે અને સરકાર એ ફરજ સારી રીતે બજાવે છે. શિક્ષકોનો ગ્રેડ પે સુધરી ગયાની વાત માત્ર અફવા જ હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે વિરોધીઓ રાજકારણ રમી અન્ય વિભાગના કર્મચારીઓને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. કોઈને અન્યાય ન થાય તે રીતે દરેકને સદભાવનાથી સાથે રાખીને રાજ્ય સરકાર કામ કરી રહી છે. પ્રજાના કલ્યાણની સાથોસાથ કર્મચારીઓ જે સરકારના હાથ પગ છે તેમના કલ્યાણ અને હિતોના રક્ષણની જવાબદારી અમારી છે.