ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ, કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પહેલી ઓગસ્ટથી અનલોક-3નો અમલ શરૂ થઈ રહ્યો છે. અનલોક-3માં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. સાથે નાઇટ કર્ફ્યૂ પણ દૂર કરી દેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાની ગાઇડ લાઇનને લઇને ચિમકી ઉચ્ચારી છે.
તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની ગાઈડ લાઇન પાલન કરવાની છે. જો નિયમ ભંગ થશે તો લાઇસન્સ રદ કરવા સુધીના પગલાંઓ લેવાશે. માસ્ક વગરનાં ગ્રાહકોને દુકાનોમાં પ્રવેશ ન આપવામાં આવે. તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરવાનું રહેશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ટેસ્ટિંગ માટે જે સેમ્પલ લેતા હતાં તેમાં પણ વધારો કર્યો છે. સેમ્પલ લેવા પર ભારત સરકારની ગાઈડ લાઇનને અનુસરીએ છીએ. રાજય સરકારે વિવિધ યોજનાઓ પર આર્થિક કાપ મુક્યો છે. વિવિધ વિભાગોમાં પણ કાપ મુક્યો છે. દરેક વિભાગમાં બજેટ કાપ મુક્યો છે. કોરોનાંની સ્થિતિને ધ્યાનમાં રાખીને બજેટમાં કાપ મુક્યો છે.
નોંધનીય છે કે, રાજ્યમાં દુકાનો 8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને એસઓપી મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર 5મી ઓગસ્ટ થી ખોલી શકાશે. આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઈડ લાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે એમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું.