ગાંધીનગરઃ ‘ઢબુડી માતા’ એટલે કે ધનજી ઓડ  મોડી રાતે ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશને હાજર થયો હતો. પોલીસે નિવેદન લઈ જવા દીધો હતો. જોકે, અડધી રાત્રે કેમ પોલીસ સ્ટેશન હાજર થયો તે મુદ્દે પોલીસ વિરુદ્ધ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. ધનજી બીજી નોટિસ આપ્યા પછી પોલીસ સમક્ષ હાજર થયો હતો. ધનજીના આગોતરા જામીન રદ થયા બાદ પોલીસે તેની શોધખોળના પ્રયાસો વધાર્યા હતા. આવા સમયે તે પોલીસ સમક્ષ હાજર થયો છે. ધનજીને પકડવા માટે પેથાપુર પોલીસની સાથે સાથે લોકલ ક્રાઇમ બ્રાંચ પણ કામે લાગી હતી.

 


ઢોગીં 'ઢબુડી મા' વિરુદ્ધ પેથાપુરના એક પીડિતે અરજી દાખલ કરાવી છે. જેને લઇ ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પીડિતે અરજીમાં જણાવ્યું છે કે, ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડના કહેવાથી કેન્સર ગ્રસત પુત્રની દવા બંધ કરી દીધી હતી અને તેનું મોત થયું છે. જો કે, આ મામલે પીડિત વ્યક્તિએ જન વિજ્ઞાન જાથા સાથે મળીને અવાજ ઉઠાવ્યો છે. ત્યારે પીડિત વ્યક્તિએ કરેલી અરજી બાદ ધરપકડથી બચવા માટે ધનજી ઓડેએ ગાંધીનગર કોર્ટમાં અગોતરા જામીન અરજી દાખલ કરાવી હતી.



થોડા દિવસો પહેલા ધનજી ઓડે એક વીડિયો તૈયાર કરી પોતે નિર્દોષ હોવાની આજીજી કરી છેહતી. ધનજીએ વીડિયોમાં કહ્યું છે કે 'છેલ્લા બે-ત્રણ રવિવારથી ગાદી ભરાઈ નથી. મારા ભક્તો ગાદીના દર્શનની રાહ જોઈ રહ્યા છે. જોકે, હું ભક્તોને કહેવા માંગું છું કે હુ ફરાર થયો નથી. હું નિર્દોષ છું. ભક્તો યોગ્ય સમયની રાહ જોજો, મારી વિરુદ્ધ તમારી ભક્તિ વિરુદ્ધ ખોટું કરનારાને મારો રામ સજા આપશે.”