ગુજરાતમાં ઘણી જગ્યાએ બફારો વર્તાઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ રાજ્યના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. સમગ્ર રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહીમાં કહ્યું હતું કે, હજુ પણ આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ અને અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

23 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમની અસર જોવા મળશે. જેને કારણે મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. અહીં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ, વડોદરા ,મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે એકાદ સ્થળ પર ભારે વરસાદ વરસવાની પણ શક્યતા છે.

હવામાન વિભાગના મતે મહત્વની વાત એ છે કે, હજુ ચોમાસું પૂર્ણ થવાના કોઈ સંકેત નથી. આગામી દિવસમાં પણ છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. આજથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટતાં વરસાદી ઝાપટાં જોવા મળશે.