ગાંધીનગર: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજયના ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને દિવાળીમાં વધારાની એક કિલો ખાંડ અને એક લીટર સીંગતેલનું રાહત દરે વિતરણ કરવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે.  પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની અવધિ ડિસેમ્બર -૨૦૨૨ માસ સુધી લંબાવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આનાથી ​૭૧ લાખ N.F.S.A. રેશનકાર્ડ ધારકોને લાભ તશે.


જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દિવાળીનો તહેવાર ઉલ્લાસમય રીતે ઉજવી શકે તે આશયથી રાજ્ય રાજ્ય સરકારે ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને દિવાળીના તહેવારો માટે વધારાની એક કિલો ખાંડ અને એક લીટર સીંગતેલ રાહત દરે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું કે, હાલ દિવાળીનાં તહેવાર નિમિતે અંત્યોદય અને બીપીએલ મળી ૩૨ લાખ રેશનકાર્ડ ધારકોને પ્રતિ કાર્ડ ૧ કિલો વધારાની ખાંડનું વિતરણ અનુક્રમે રૂ.૧૫ અને રૂ.૨૨ પ્રતિ કિલોનાં ભાવથી વિતરણ કરવામાં આવે છે. તેમજ તમામ ૭૧ લાખ N.F.S.A. રેશનકાર્ડ ધારકોને દિવાળીના તહેવાર નિમિતે પ્રતિ કુટુંબ ૧ લીટર સીંગતેલ રૂ.૧૦૦/-ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.


તેમણે ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની અવધિ ત્રણ માસ એટલે કે ડિસેમ્બર -૨૦૨૨ માસ સુધી લંબાવાઈ છે. આ યોજના હેઠળ ઑક્ટોબર-૨૦૨૨ માટે ૭૧ લાખ N.F.S.A.રેશનકાર્ડ ધારકોને રેગ્યુલર મળવાપાત્ર અનાજ ઉપરાંત પ્રતિ વ્યક્તિ ૧ કિ.ગ્રા. ઘઉં તથા ૪ કિ.ગ્રા. ચોખા મળી કુલ ૫ કિ.ગ્રા. અનાજના જથ્થાનું વિનામૂલ્યે વિતરણ તા.૧૫/૧૦/૨૦૨૨ થી શરૂ કરવામાં આવ્યું છે. ભારત સરકારની સુચના મુજબ રાહતદરનું વિતરણ અને વિનામુલ્યે વિતરણ અલગ-અલગ કરવામાં આવે છે.


ઈમ્પેક્ટ ફીને લઈને ગુજરાત સરકારે બહાર પાડ્યો વટહુકમ


ઈમ્પેક્ટ ફીને લઈને આજે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. મંત્રી જીતુ વાઘાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે માહિતી આપી છે. અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા સરકારે વટહુકમ બહાર પાડ્યો છે. આ અંગે વાઘાણીએ કહ્યું કે, નિયમોનું ઉલ્લંઘન ન થાય અને જનતાને ફાયદો થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, 1-10-2022 પહેલાંના બાંધકામોને જ સરકારની આ જાહેરાતનો લાભ મળશે. શહેરી વિસ્તારોમાં આ નિર્ણય લાગુ થશે. મંત્રી વધુમાં કહ્યું કે, રેરાના કાયદાના કિસ્સામાં આ વટહુકમ લાગુ નહીં પડે.  આ ઉપરાંત 50 ટકા પાર્કિંગ ફરજીયાત રહેશે. આંતરમાળખાકીય સવલત વિકાસ ભંડોળમાં ઈમ્પેક્ટ ફીની રકમ જમા થશે. ઈમ્પેક્ટ ફીની રકમમાંથી જે તે શહેરમાં આંતર માળખાકીય સુવિધા ઉભી કરવા માટે ખર્ચાશે આ રૂપિયા. ઈ પોર્ટલ પરથી આવતી કાલે ઓનલાઈન અરજી અને ફી ભરી શકાશે.
 
ઈમ્પેક્ટ ફીના દર રાજ્ય સરકારે નક્કી કર્યા


રહેણાંક અને અનઅધિકૃત બાંધકામ માટે ફી નિયત કરવામાં આવી છે. 50થી 100 ચો.મી. સુધી 6 હજાર ફી નિયત કરાઈ છે. 100થી 200 ચો.મી. સુધી 12 હજાર રૂપિયા ફી નિયત કરવામાં આવી છે. વાણિજ્યક અનઅધિકૃત બાંધકામ માટે ઈમ્પેક્ટ ફીના રહેણાંક કરતા બમણા નક્કી કરાયા છે. આ ઉપરાંત અરજી કરવા માટે 4 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. અરજીની તારીખથી 6 મહિના સુધીમાં અરજી મંજુર કે નામંજુર કરવામી રહેશે.