ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સ્કૂલો માટે એસઓપી તૈયાર કરવા સૂચના આપી છે. આગામી બેથી ત્રણ દિવસમાં એસઓપી બહાર પાડશે. એસઓપી તૈયાર કર્યા પછી મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે બેસીને નિર્ણય લેશે. સ્કૂલો ક્યારે શરૂ કરવી તે અંગે નિર્ણય લેવાશે. આમ, દિવાળી પછી શાળાઓ ખોલવા અંગે શિક્ષણ વિભાગે સ્પષ્ટ સંકેત આપ્યા છે. મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓને બોલાવીને સ્કૂલો શરૂ કરવા અંગે નિર્ણય લેવાઇ શકે છે.
ધોરણ 9થી 12નું શિક્ષણ સ્કૂલોમાં દિવાળી પછી શરૂ થઈ શકે છે. શાળા-કોલેજો ક્યારે શરૂ થશે અને કયા નિયમો પાળવા પડશે, તે અંગે ગાઇડ લાઇન આગામી બે-ત્રણ દિવસમાં સરકાર જાહેર કરી શકે છે. નોંધનીય છે કે, આજે શિક્ષણ સચિવ અને રાજ્ય શિક્ષણ મંત્રી સાથેની બેઠક મળી હતી. દિવાળી બાદ શાળા કોલેજો શરૂ કરવા વિચારણા માટે મળેલી અધકારીઓ સાથે બેઠક મળી હતી, જેમાં અધિકારીઓને એસઓપી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે.
શિક્ષણ સચિવ અને રાજ્ય શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે સાથે શિક્ષણમંત્રીએ ચર્ચા કરી હતી. સ્કૂલો શરૂ કરવા માટે જરૂરી એસઓપી તૈયાર કરવાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. શિક્ષણ સચિવ અને રાજ્ય શિક્ષણ મંત્રી સાથેની બેઠક પૂર્ણ થઈ ગઈ છે.
રાજ્યના શિક્ષણ વિભાગનું સંભવિત આયોજન સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પહેલા કોલેજો અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ખુલશે. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓ અને છેલ્લે પ્રાથમિક શાળાઓ ખુલે એ પ્રકારનું આયોજન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.