ગાંધીનગરઃ શિક્ષકોની વ્યથાને વાચા આપવાની એબીપી અસ્મિતાની ઝુંબેશ રંગ લાવી છે. ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ સરકારે પ્રાથમિક શિક્ષકોને મોટી ભેટ આપી હતી. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ બદલી કેમ્પનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં તમામ પ્રકારની બદલીઓ માટે સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલા બદલીના કેમ્પ પૂરા કરવાની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ દાવો કર્યો હતો કે પહેલા વિકલ્પ કેમ્પ અને બાદમાં વધધટ કેમ્પનું આયોજન કરાશે. બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ નવી ભરતીને આખરી ઓપ અપાશે. છઠ્ઠી મેના રોજ બદલીઓની અરજીઓ જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવશે. 20 મે સુધીમાં બદલી કેમ્પની અરજીઓની કાર્યવાહી શરૂ કરાશે. આઠ દિવસમાં વિકલ્પ કેમ્પ તથા 15 દિવસમાં વધ-ઘટ કેમ્પ યોજવા શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી. આ સાથે શિક્ષકોની આંતરિક બદલી એક મહિનામાં કરવાની પણ શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી. જિલ્લા ફેર અને અરસ-પરસ બદલીનો સમયગાળો સાત દિવસનો રહેશે અને બે લાખ કરતાં વધુ શિક્ષકોને બદલીનો લાભ મળશે.
અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ગુજરાતના પ્રવાસે છે. કેજરીવાલ આદિવાસી વિસ્તારમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલન કરશે અને આદિવાસી સમાજના કેટલાય અગ્રણીઓ સાથે મુલાકાત પણ કરશે. આ વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ થશે તે નિશ્ચિત થઈ ગયું છે.
ભાજપ - કોંગ્રેસ બાદ પંજાબની ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટી પણ આ વર્ષે ગુજરાતમાં ભરપૂર મહેનત કરી રહી છે. ગુજરાતની આદિવાસી સમુદાયની 27 અનામત બેઠકો અને 10 આદિવાસી સમુદાયના પ્રભુત્વવાળી બેઠકો પર તમામ પક્ષોની નજર છે. ભાજપ અને કોંગ્રેસ બાદ આ બેઠકો અંકે કરવા આપે પણ ભારતીય રાષ્ટ્રીય ટ્રાયબલ પાર્ટી સાથે ગઠબંધન કરી આદિવાસી બેઠકો જીતવા મહેનત શરૂ કરી છે. જેના ભાગરૂપે અરવિંદ કેજરીવાલ આજે આદિવાસી બેલ્ટમાં પ્રચાર કરશે. છોટુભાઈ વસાવા અને અરવિંદ કેજરીવાલ આજે એક મંચ પરથી આદિવાસી સમુદાયને આકર્ષવાનો પ્રયાસ કરશે.