Fake Officer: સુરત બાદ ગાંધીનગરમાંથી પણ આજે એક નકલી અધિકારી ઝડપાયો છે. આજે ગાંધીનગરમાં નકલી એફસીઆઇ ડાયરેક્ટરની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલા શખ્સનું નામ જમાદાર પુણ્યદેવ રાય છે અને તે ફૂડ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરીનું વિઝીટિંગ કાર્ડ બતાવી રૌફ જમાવતો હતો. 


મળતી માહિતી પ્રમાણે, આજે ગાંધીનગરમાંથી નકલી એફસીઆઇ ડાયરેક્ટરની ધરપડ કરવામાં આવી છે. શહેરમાં જમાદાર પુણ્યદેવ રાય નકલી એફસીઆઇ અધિકારી બનીને ઠેર ઠેર રૌફ જમાવતો ફરતો હતો, જોકે, આજે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. પુણ્યદેવ રાય ગાંધીનગરમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરીનું વિઝિટિંગ કાર્ડ બતાવી રૌફ જમાવતો હતો. પોલીસ ભવનમાં સિનિયર IPS અધિકારીને વિઝિટિંગ કાર્ડ આપી કાર્યક્રમનું આમંત્રણ આપવા પહોંચ્યો હતો. ત્યારે અધિકારીને શંકા જતા તેને તપાસ કરાવતા ભાંડો ફૂટ્યો હતો. જમાદાર પુણ્યદેવ રાય સામે ખોટા રાજ્ય સેવકનો ઢોંગ કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. 


 


આ પહેલા છોટાઉદેપુર બોડેલીમાંથી પકડાઇ હતી નકલી સરકારી કચેરી 


છોટા ઉદેપુરના બોડેલીમાં પકડાયેલી નકલી કચેરી અંગે હવે મોટો ખુલાસો સામે આવ્યો છે. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધી બે આરોપીઓની ધરપકડ કરી છે, જેઓનું નામ એક સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદ છે. આ મામલે આજે છોટા ઉદેપુર એસપી ઇમ્તિયાઝ શેખે પ્રેસ કૉન્ફરન્સ કરીને તમામ માહિતી આપી છે. જાણો જિલ્લા એસપીએ સમગ્ર બનાવમાં કામગીરી અંગે શું કહ્યું....


છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની નકલી સરકારી કચેરી મુદ્દે છોટાઉદેપુરના એસપીએ આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને મોટા ખુલાસા અને કામગીરી અંગે માહિતી આપી છે. નકલી સરકારી કચેરીના બનાવમાં અત્યાર સુધી પોલીસે કરેલી કામગીરી અંગે પ્રેસ કરવામાં આવી, છોટાઉદેપુર જિલ્લાના એસપી ઈમ્તિયાઝ શેખએ જણાવ્યુ કે, 26/10/2023ના રોજ પ્રાયોજના વહીવટદારના કર્મચારી દ્વારા ફરિયાદ દાખલ કરાઈ છે, અને આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદની ધરપકડ કરવામાં આવી છે. બંનેની વૉટ્સએપ ચેટના આધારે અબુબકરની ધરપકડ કરવામાં આવી છે. 12 દિવસના રિમાન્ડ મળ્યા હોવાથી હાલ તપાસ ચાલી રહી છે. ભાડે ઓફિસ રાખી હતી જેનું ભાડું અબુબકર સૈયદ ચૂકવતો હતો, અન્ય કોઈ સરકારી કચેરીમાં આવા કામો કર્યા છે કે કેમ તે અંગેની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના એસપી SITના વડપણ હેઠળ SIT તપાસ કરાશે. CDR અને બેન્ક એકાઉન્ટની માહિતી મેળવવામાં આવશે અને તેના આધારે તપાસ થશે. જે એકાઉન્ટમાં 4.15 કરોડ રૂપિયા ચૂકવાયા તે એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યુ છે. એકાઉન્ટ ઘણા સમય પહેલા જ ખાલી કરી દેવામાં આવ્યું છે, તેમાં નાણાં હાલ નથી. સંદીપ રાજપૂત બીકૉમ સુધી ભણ્યો છે અને સરકારી કમો કરતો હતો, જ્યારે અબુબકર સૈયદ 2007થી સરકારી કૉન્ટ્રાકટના કામ કરતો હતો.