અમદાવાદઃ દિવાળીમાં તેલ અને અનાજના જથ્થાની સંગ્રહખોરી ડામવા ખુદ પુરવઠામંત્રી સરપ્રાઇઝ ચેકીંગ કરશે તો સાથે જ કેરોસીનનો જથ્થો ઘટવા છતાં બીપીએલ અને અંત્યોદય પરિવારોને કોઇ સમસ્યા નહી પડે તેવો સરકારે દાવો કર્યો છે.


દિવાળી સમયે અનાજ, દાળ અને તેલના જથ્થાની સંગ્રહખોરીની સમસ્યા વકરે છે. કૃત્રિમ તંગીના કારણે ભાવ આસમાને પહોંચે છે. આવું ન બને તે માટે દાવો થઇ રહ્યો છે કે ખુદ પુરવઠામંત્રી જયેશ રાદડિયા સંગ્રહખોરો અને કાળાબજારિયાઓ સામે મોરચો માંડશે. સરપ્રાઇઝ વિઝિટ કરીને સંગ્રહખોરીને ડામવાનો પ્રધાન પ્રયાસ કરશે. સસ્તા અનાજની દુકાને પણ સંગ્રહખોરી અને ગેરરીતિ ના થાય તેની તકેદારી રાખવામાં આવશે.

કેન્દ્ર-રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં આ વખતે કેરોસીનના જથ્થામાં મોટો કાપ આવ્યો છે. જેને લઇને રાજ્યના બીપીએલ અને અંત્યોદય પરિવારને નુકસાન ન થાય તેની તકેદારી રાજ્ય સરકારે રાખી છે. પુરવઠા મંત્રીનો દાવો છે કે જથ્થો ઘટવાનું મુખ્ય કારણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે. આ યોજના હેઠળ 5 લાખ પરિવારોને ગેસ કનેક્શન અપાયા છે જેમનો કેરોસીનનો જથ્થો બંધ થઇ જશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પાસે કેરોસીનના વધારાના જથ્થાની માંગ કરવામાં આવી છે, જો એ પૂરી થશે તો એપીએલ કાર્ડધારકોને પણ સમસ્યા નહી નડે.

કેરોસીનમાં કાપને મામલે વિપક્ષ રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે દિવાળીના તહેવારોમાં કેરોસીન અને કાળાબજારને લઇને કાળો કકળાટ ન થાય તે માટે સરકારને પણ કાળજી રાખવી આવશ્યક થઇ ગઇ છે.

કેરોસીનના જથ્થામાં કેંદ્ર સરકાર દ્વારા 40 કટા ઘટાડવાનો નિર્મય કર્યો હતો. જેનો વિરોધ વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યો છે.