ગાંધીનગર: રાજ્યામાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી નોકરીમાં નિમણૂંક પામનાર કાર્મચારીને ફિક્સ પગાર પર રાખવામાં આવે છે. ત્યારે કૉંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવા પ્રતિક ધરણાનું આયોજન કર્યું હતું. 'સમાન કામ સમાન વેતન' બેનર હેઠળ ભાજપ સરકાર સામે બાયો ચડાવી હતી. આ પ્રસંગે કૉંગ્રેસના નેતાઓએ ગુજરાતની ભાજપની સરકાર યુવાનોને નોકરીમાં રાખીને સમાન વેતન નહી આપીને અન્યાય કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

કાયદાકીય રીતે રાજય સરકાર સામે જીતી ગયા પછી પણ સરકારે રાજરમત કરીને ‘સમાન કામ સમાન વેતન’ ન આપતા ફિક્સ પગારદારો રોષે ભરાયા છે. આ પગારદારોને ટેકામાં કોંગ્રેસ દ્વારા સોમવારે અમદાવાદ કલેકટર કચેરી સામે પ્રતિક ધરણા કરાયા હતા. આ ધરણામાં સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ એવી જાહેરાત કરી હતી કે કોંગ્રેસની સરકાર આવશે તો ફિકસ પગારદારોને પુરો પગાર આપવામાં આવશે. ઉપરાંત કોંગ્રેસની સરકાર આવશે તો 60 લાખ બેરોજગારોને બેકારી ભથ્થું આપવામાં આવશે તેવી પણ હૈયાધારણા અપાઇ હતી.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સોલંકીએ કહ્યું હતું કે ભાજપ સરકાર કરકસરના બહાના હેઠળ ફિક્સ પગારના નામે મોટાભાગનું આઉટ સોર્સીગ કરીને ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ કરે છે, બીજીબાજુ આઉટ સોર્સીગના કોન્ટ્રાકટ મળતીયાઓને આપીને સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા લૂંટાય રહ્યા છે. વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહે કહ્યું કે ગુજરાતના યુવાનોના હીતને જાળવવા હાઇકોર્ટમાં રાજય સરકાર સામે જીતેલા ફિક્સ પગારદારો સામે સરકારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે તે પરત લેવી જોઇએ.

કોંગ્રેસ સત્તા પર આવશે તો ફિકસ પગાર, કોન્ટ્રાકટ પ્રથા, આઉટ સોર્સિંગના નામે આર્થિક શોષણની પધ્ધતિને નાબુદ કરશે. પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે કોન્ટ્રાકટ પ્રથામાં રૂ. 10 હજારનો પગાર ઉધારીને રૂ. ચાર હજાર પગાર અપાય છે. જયારે દિપક બાબરિયાએ રોજગાર કચેરી બેરોજગારોને કોલલેટર મોકલીને રોજગારી મળી ગઇ હોય તેવો ખોટો રેકોર્ડ ઉભો કરે છે અને સરકાર તેની વાહવાહી કરે છે. કોંગ્રેસના આગેવાનો લાલજી દેસાઇ, મનિષ દોશી, યુવક કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ સહિતના આગેવાનોએ કાર્યકરોને સંબોધન કર્યુ હતું.