ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે ગુજરાતની વિજય રૂપાણી સરકારના પ્રધાનોને ગુજરાત ભાજપના મુખ્યમથક કમલમ્ ખાતે બેસવા આદેશ આપ્યો છે. આ આદેશના પગલે રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલ આજે કમલમમાં હાજરી આપશે.


કમલમમાં હાજરી આપતાં પહેલાં કૌશિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રૂપાણીના નિવાસસ્થાને બેઠક કરી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના આદેશના પગલે આજથી દર અઠવાડિયે સોમવાર અને મંગળવારે એક મંત્રી કમલમમાં હાજર રહીને કાર્યકરોને સાંભળશે. આજે પ્રથમ દિવસે મુખ્યમંત્રી નિવાસસ્થાનથી મહેસુલ મંત્રી કૌશિક પટેલ સીધા કમલમ જશે.

ગુજરાત પ્રદેશ પ્રમુખપદ સંભાળ્યા બાદ સી.આર. પાટીલે પ્રધાનો સામે આકરી કાર્યપધ્ધતિ અપનાવી છે અને તેના ભાગરૂપે મંત્રીઓને હવે કમલમમાં બેસવાનુ ફરમાન કરાયુ છે.હવેથી દર અઠવાડિયે બે દિવસ માટે મંત્રીઓ કમલમમાં બેસી કાર્યકરોના પ્રશ્ન સાંભળશે અને ઉકેલશે.

ગુજરાતમાં ભાજપ સરકાર કાર્યકરોનું સાંભળતી નતી એવી વ્યાપક ફરિયાદો છે. કાર્યકરો જ નહીં, ખુદ ભાજપના ધારાસભ્યો જ ફરિયાદ કરી રહ્યાં છે કે, રાજ્ય સરકારના મંત્રી સાંભળતા નથી અને અધિકારીઓ ગાંઠતા નથી. આ કારણે પાટીલે આ આદેશ આપવો પડ્યો છે.