ગાંધીનગર:  ગાંધીનગરના દશેલા ગામમાં પાણીમાં કાર ગરકાવ થઈ છે.  કારમાં સવાર  ચાર લોકોના મૃતદેહ મળ્યા છે. 4 યુવકો અમદાવાદના નરોડા વિસ્તારના હોવાની વિગતો સામે આવી છે. એક વ્યક્તિની શોધખોળ શરુ કરવામાં આવી છે.  ચિલોડા હિંમતનગર હાઇવે પર દશેલા ગામમાં ગાડી તળાવમાં ખાબકી હતી. 


દશેલા ગામમાં ગાડીમાં સવાર પાંચ લોકો સાથે તળાવમાં ગાડી પડતા બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  પ્રાથમિક વિગતોમાં ગાડીમાં સવાર ચાર લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.  જ્યારે અન્ય એક વ્યક્તિની પ્રશાસન દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી છે.  


4 યુવાનો નરોડા અમદાવાદના રેહવાસી


5 યુવાન મિત્રો રાજસ્થાન ફરવા ગયા હતા. 4 યુવાનો નરોડા અમદાવાદના રેહવાસી છે,  જ્યારે 1 યુવાન દશેલા ગામનો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.  ગઈકાલ રાત્રે પરત ફરતા સમયે સમગ્ર ઘટના બની હોવાની પ્રાથમિક વિગતો છે.  યુવાનોનો ટેલીફોનીક સંપર્ક નહિ થતા લોકેશન ચેક કરતા દશેલા ગામનું આવતા શોધખોળ શરૂ કરાઈ હતી. પાંચેય યુવકોની શોધખોળમાં હાલ 4 યુવાનોની લાશ મળી આવી છે, જ્યારે અન્ય એક યુવાનની શોધખોળ ચાલુ છે. 


મોબાઈલ લોકેશનથી સમગ્ર ઘટના બહાર આવી


દશેલા ગામનું તળાવ ઓવરફ્લો થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ગાડી ડૂબી હતી. ગઈકાલે મોડી રાત્રે ઘટના બની હોવાનો પોલીસનો પ્રાથમિક અંદાજ છે. દશેરાના છોકરાએ પોતાના પિતાને રાત્રે 10:00 વાગ્યે છેલ્લો ફોન કર્યો હતો. તેના આધારે મોબાઈલ લોકેશનથી સમગ્ર ઘટના બહાર આવી છે. ભોગ બનેલા ચારેય યુવાનો નરોડાના રહેવાસી છે, જ્યારે એક વ્યક્તિ દશેલા ગામનો છે. રાજસ્થાનથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. 


વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી


સમગ્ર રાજ્યમાં હાલ મેઘરાજા મન મૂકીને મહેર કરી રહ્યા છે. આગાહી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કરવામાં આવી હતી. જે અંતર્ગત ભાદરવા માસના  પ્રારંભથી   મેઘરાજા રાજ્ય ઉપર મહેરબાન થયા હોય તે પ્રકારે પોતાની અસર બતાવી રહ્યા છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે.


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, આગામી 20 તારીખ સુધી હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. સિસ્ટમ દરિયા વિસ્તાર તરફ જઈ રહી છે ત્યારે બનાસકાંઠા, કચ્છ, જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાશે, જેની ગતિ 150 કિલોમીટરથી પણ વધુ રહેવાની શક્યતા છે. 12 ઓકટોબરે તમિલનાડુ વિસ્તારમાં આ સિસ્ટમ આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. આ ચક્રવાતના પગલે ઓકટોબર માસના મધ્ય ભાગમાં ગુજરાતમાં વરસાદ થશે.