stray cattle: રખડતા ઢોરના વધતા ત્રાસ અને હુમલાઓને લઈને ગુજરાત હાઇકોર્ટ દ્ધારા ઝાટકણી કાઢ્યા બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી. હાઈકોર્ટે 11 જુલાઈના અમદાવાદના બિસ્માર રોડ અને રખડતા ઢોર મુદ્દે સરકાર અને અમદાવાદ મહાપાલિકાની ઝાટકણી કાઢી હતી. હવે રાજ્ય સરકારે રખડતા ઢોરને લઈ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા વિસ્તાર માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ વિસ્તારોમાં રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાએ પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવી પડશે.પરમિશન માટે નિશ્ચિત ચાર્જ ભરવો પડશે. તો જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને પશુઓને ઘાસ ખવડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યા છે.


રખડતા ઢોરોને નિયંત્રણમાં રાખવા માટે માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ તૈયાર કરવા 10 સભ્યોની કમિટીને જવાબદારી સોંપાઈ હતી. તમામ પાસાઓના વિચારણાની અંતે રાજ્ય સરકારે રખડતા ઢોર માટે માટે એક કોમન માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમા હવે મહાનગરપાલિકા ઉપરાંત નગરપાલિકાઓમાં ઢોરનું રજિસ્ટ્રેશન કરી લાયસન્સ ફરજિયાત બનાવાયુ છે. આ ઉપરાંત પશુઓની ઓળખ કરી શકાય તે માટે ચીપ અને ટેગ પણ લગાવવા પડશે.


સરકારની નવી ગાઇડલાઇન અનુસાર, રોડ પર રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે અને જો રજિસ્ટ્રેશન નહીં કરવામાં આવે તો ઢોરને જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. સરકાર દ્વારા રાજ્યના તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને પશુઓને ટેગ લગાવવાની કામગીરી કરવા માટેની સૂચના આપવામાં આવી છે.


નવા નિયમો અનુસાર મનપા અને નપામાં ઢોર રાખવા માટે પશુપાલકે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. લાયસન્સ અને નોંધણી પેટે સરકાર રૂપિયા 750 ઉઘરાવશે. સાથે દર 3 વર્ષે પશુઓના લાયસન્સ અને નોંધણી રીન્યુ કરવવા પડશે. તેમજ ઢોર રસ્તા પર રખડતા દેખાશે તો તેના માલિક પાસેથી 1000થી લઇ 10000 રૂપિયા સુધીનો દંડ વસૂલવાની પણ જોગવાઇ કરવામાં આવી છે. જો પકડાયેલા પશુઓ માલિક નહિ છોડાવે તો દુધાળા પશુઓની હરાજી કરવામાં આવશે. પશુ પકડવાની ટીમમાં સ્થાનિક પોલીસનો સમાવેશ કરવામાં આવશે. પશુ પકડવાની કામગીરીમાં અડચણ કરનાર સામે પણ પોલીસ કાર્યવાહી કરાશે. જે પશુ માલિકો પાસે જગ્યા નહિ હોય તેમને પશુઓ શહેરની બહાર લઈ જવા પડશે.રખડતાં પશુઓના માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે


રખડતા ઢોર પકડાય તો કેટલો દંડ થશે?


ગુજરાત સરકારે મહાનગર પાલિકા અને નગરપાલિકામાં રોડ-રસ્તા પર રખડતા ઢોર પકડાશે તો પશુમાલિકો પાસેથી દંડ વસૂલવાની જોગવાઇ કરવામાં આવે છે. ગાય-ભેંસ, વાછરડાં, ઘેટા,બકરા, ઘોડા,ગધેડા જેવા રખડતા પશુઓ માટે અલગ-અલગ દંડની રકમ નક્કી કરાઇ છે. જો ગાય, ભેંસ અને બળદ, ઘેટા, બકરા, ઘોડા, ગધેડા, ઉંટ, હાથી, ડુક્કર રખડતા પકડાય તો પશુમાલિક પાસેથી 1000 રૂપિયાથી લઇને 10 હજાર રૂપિયાનો  દંડ વસૂલવામાં આવશે. તેમજ જ્યાં સુધી તે સરકારી કબજામાં રહેશે ત્યારે દિવસ દીઠ ઘાસચારાના 200 રૂપિયાથી લઇને 1000 રૂપિયા અને વહીવટી ચાર્જ પેટે 200 રૂપિયાથી લઇને 1000 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે.