ગાંધીનગર: ખોટા આદિવાસીઓના પ્રમાણપત્ર રદ કરવાની માંગ સાથે છેલ્લા 28 દિવસથી ચાલતું આદિવાસીઓનું આંદોલન સમેટાઈ ગયું છે. સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ દ્વારા કરવામાં આવેલી નવ માંગણીઓ સરકારે સ્વીકારી લેતા આદિવાસી કન્વીનર ડો. રાજન ભાગોરાએ આંદોલન પુરુ થયાની જાહેરાત કરી હતી.


મંત્રી ગણપત વસાવા, મંત્રી ભુપેન્દ્રસિંહ, આર.સી.ફળદુ, સાસંદ પ્રભુ ભાઈ વસાવા, મનસુખભાઈ અને આદિવાસી સમાજના આગેવાનો સાથે મળી વાટાઘાટો કરી હતી. બાદમાં મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ આદિવાસી સમાજની 9 માંગણીની રજૂઆત કરી હતી. સરકારે આદિવાસી સમાજની નવ માંગણીઓને સ્વીકારી લીધી હતી. મહત્વનું છે કે, 23 જાન્યુઆરીથી આદિવાસીઓ તેમની વિવિધ માંગને લઈને આંદોલન કરી રહ્યાં હતા અને 26 ફેબ્રુઆરીએ વિધાનસભા ઘેરાવની ચીમકી પણ આપી હતી. જે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.



આદિવાસીઓની માંગણી હતી કે રબારી, ભરવાડ અને ચારણને આપવામાં આવેલા ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. સરકારે કહ્યુ કે, 2010 ના ઠરાવમાંથી મસવાડી પહોંચને આજથી સ્થગિત કરવામાં આવે છે. 1956 ના પુરાવા હશે તેમની આવનારા દિવસોમાં જે પરિવાર હતા તેમની યાદી બનાવવામાં આવશે. કાયદો વિધાનસભા પસાર થયા પછી 30 દિવસમાં નિયમ બનાવી લાગુ કરવામાં આવશે.



સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિના કન્વીનર ડો, રાજન ભાગોરાએ આંદોલન સમેટવાની જાહેરાત કરતા કહ્યું કે, સરકારે તમામ 9 માંગો સ્વીકારી છે. સરકારે કહ્યું કે, ગીર, બરડા, આલેચના માલધારીઓને 1956ના અમલ મુજબ કાર્યવાહી થશે. રેસિડેન્સીયલ દરજ્જો આપવામાં આવ્યો હતો તેનું માર્ગદર્શન મેળવી કાર્યવાહી કરવામાં આવશે.



આદિવાસી સમાજે કોર્ટમાં ત્રણ પીઆઈએલ કરી છે, સરકારે હજુ એફિડેવિટ કરી નથી પણ સરકારે બાંહેધરી આપી છે કે ટૂંક સમયમાં સરકાર એફિડેવિટ કરશે. આ વિધાનસભા સત્રમાં કાયદો લાવવામાં આવશે. ખોટા આદિવાસીઓના પ્રમાણપત્ર હાંસલ કરીને નોકરી મેળવનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તે સિવાય અધિકારીઓ સામે પણ કાયદાકીય પગલાં ભરવામાં આવશે.