Gandhinagar News: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ અપાયા બાદ હવે ગુજરાતના ગાંધીનગરમાં વધુ એક બિલ્ડિંગને નરેન્દ્ર મોદી નામ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદને હવે નરેન્દ્ર મોદીનું નામ અપાયું છે. હયાત બિલ્ડિંગના સ્થાને નવું બિલ્ડીંગ બનતાની સાથે પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ અસ્તિત્વમાં આવશે. ગાંધીનગરમાં આવેલા ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદમાં ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો, પદાધિકારીઓ અને કર્મચારી - અધિકારીઓને તાલીમ આપવામાં આવે છે. આ ભવન જૂનું થઇ ગયું છે અને તેમાં ટેકનોલોજીનો અભાવ હોવાથી રાજ્ય સરકાર દ્વારા નવું અધ્યતન ભવન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, સાથે જ ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદે નરેન્દ્ર મોદી નામ આપવાના કરેલા ઠરાવને ગ્રાહ્ય રાખી રાજ્ય સરકારે રૂ. 36 કરોડ જેટલી માતબર ગ્રાન્ટ ફાળવવાનું નક્કી કર્યું છે.
રૂપિયા 36 કરોડના ખર્ચે નવા બંધાઇ રહેલા પંચાયત તાલીમ ભવનનું નવું નામ નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સંસ્થાન રાખવામાં આવ્યું છે. માર્ગ-મકાન વિભાગે જૂના ભવનના રિનોવેશનનો નિર્ણય લીધો છે. વિભાગના એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે નવા સૂચિત ભવનમાં ત્રિસ્તરીય પ્રતિનિધિઓ તેમજ પંચાયત વિભાગના વિવિધ સંવર્ગના કર્મચારીઓને તાલીમ અપાશે. નવા તાલીમ કેન્દ્રની ડિઝાઇન, પ્લાનિંગ તેમજ એસ્ટીમેટ ગાંધીનગર જિલ્લા પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા બનાવવાના રહેશે. આ કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગના નિયમો પ્રમાણે પ્રાઇવેટ આર્કિટેક્ટની સેવાઓ લઇ શકાશે. ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ કે જે હાલમાં કાર્યરત છે તેની તમામ અસ્ક્યામતો નવા ભવનને તબદીલ કરાશે. આ કેન્દ્રમાં અધિકારી તેમજ કર્મચારીઓને સાપ્તાહિક, પખવાડિક અને માસિક તાલીમ આપવા માટે જે તે વર્ષનું તાલીમ કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે.
નવા કેન્દ્રમાં મહિલા તેમજ પુરુષ હોસ્ટેલ, સેન્ટ્રલ એસી ઓડિટોરિયમ, સ્માર્ટ ક્લાસરૂમ, વાંચન માટે અદ્યતન લાયબ્રેરી તેમજ તાલીમ કેન્દ્રમાં ફરજ બજાવતા અધિકારી તેમજ કર્મચારીઓ માટે સુવિધાજનક સ્ટાફ ક્વાર્ટર્સ બનાવાશે. ઉત્કૃષ્ઠ તાલીમ મળે તે માટે તજજ્ઞ ગેસ્ટ ફેકલ્ટી તરીકે રાજ્યના નિવૃત્ત અધિકારીઓની સેવાઓ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ
માત્ર તડકો જ નહીં આ ચીજોથી પણ દૂર કરી શકાય છે વિટામિન ડીની ઉણપ, આજે જ ડાયટમાં કરો સામેલ
Bhavnagar: પાણીના ખાડામાં ન્હાવા પડેલા બે કિશોરો ડૂબ્યા, જાણો વિગત