Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈ મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું, અરબસાગરમાં વાવાઝોડાની હલચલ શરૂ થતાં વાતાવરણમાં પલટો આવશે. વાવાઝોડું ડિપ્રેશન સુધી પહોંચશે અને ઓમાન તરફ ફંટાઈ જવાની શક્યતા છે. ગુજરાતમાં આ વાવાઝોડાના પગલે વાદળવાયું રહેવાની શક્યતા છે.  અરબસાગરના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 14 થી 20 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે. 12 ડિસેમ્બરથી ગુજરાતમાં ભારે ઠંડી પડશે.


અંબાલાલ પટેલે 15થી 20 ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આ દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠું થશે અને હાડ થીજવતી ઠંડી પડશે. 12 ડિસેમ્બર પછી ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બનશે. જેના લીધે ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. અલ નિનોની અસરના લીધે એક પછી એક લો પ્રેશર સક્રિય થઈ રહ્યા છે. 12 અને 13 ડિસેમ્બરે કાતિલ ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો 16થી 18 ડિગ્રી રહેવાની આગાહી છે. શનિવારે અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 16 ડિગ્રી પર પહોંચ્યો હતો. સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. 13. 8 ડિગ્રીમાં રાજકોટવાસીઓ ઠુંઠવાયા હતા, તો કેશોદમાં 15.2 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 15.8 ડિગ્રી, અમરેલીમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.



દેશમાં કેવું રહેશે હવામાન


દેશભરમાં વધી રહેલી ઠંડી બાદ હવામાનનો મિજાજ બદલાવા લાગ્યો છે. ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થયો છે, જ્યારે દક્ષિણમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપ, કર્ણાટકમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપ આગામી દિવસોમાં પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરશે, ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા હિમવર્ષા અને વરસાદ થશે. ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.


સ્કાયમેટ વેધર અનુસાર આગામી 24 કલાકમાં તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં કેટલીક જગ્યાએ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત કોસ્ટલ કર્ણાટક અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉપરાંત, પૂર્વોત્તર ભારત, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને આંધ્રપ્રદેશમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરપૂર્વ ભારતમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ થઈ શકે છે.