ગાંધીનગરઃ ગુજરાત કૉંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉદયપુરમાં કૉંગ્રેસની મળેલી ચિંતન શિબિરમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષના અંતમાં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી કૉંગ્રેસ 2007ની પેટનર્થી લડશે. તે સિવાય રાહુલ અને પ્રિયંકા ગાંધી જૂન મહિનાથી જ પ્રચંડ પ્રચારની શરુઆત કરશે.
રાહુલ અને સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં ઉદયપુરમાં કૉંગ્રેસના દેશભરના દિગ્ગજ નેતાઓની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ચિંતન શિબિરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી. એબીપી અસ્મિતાને મળેલી જાણકારી પ્રમાણે, કોંગ્રેસ 2007ની પેટર્નથી 2022ની ચૂંટણી લડશે. દેશભરના કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં ધામા નાખશે. કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ, પ્રદેશ પ્રમુખને ઝોન અને જિલ્લા પ્રમાણેની જવાબદારી અપાશે. કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવાની જવાબદારી સોનિયા ગાંધી દેશના દિગ્ગ્જ નેતાઓને આપશે.
મળતી માહિતી અનુસાર, જૂન મહિનામાં રાહુલ અને સોનિયા ગાંધીની ચાર મોટી સભાનું પ્રદેશ કૉંગ્રેસે આયોજન કર્યુ છે. શક્યતા છે કે 12 જૂનના રોજ રાહુલ ગાંધી દાંડીમાં સભાને સંબોધન કરશે. તો ત્યાર બાદ પ્રિયંકા ગાંધી મધ્ય ગુજરાતમાં મહિલા સંમેલનને સંબોધન કરશે. રાહુલ અને પ્રિયંકા ગાંધીની સભા માટે પ્રદેશ કૉંગ્રેસ ઝોન પ્રમાણે બેઠક યોજશે. જેમાં પહેલી બેઠક 19 મેના રોજ સૌરાષ્ટ્ર ઝોન માટે રાજકોટમાં, બીજી બેઠક 21 મેના રોજ દક્ષિણ ઝોન માટે સુરતમાં, ત્રીજી બેઠક 22 મેના રોજ મધ્ય ઝોન માટે વડોદરામાં, જ્યારે ચોથી બેઠક 23 મેના રોજ ઉત્તર ઝોન માટે મહેસાણામાં યોજાશે. તમામ ઝોનની આ બેઠકમાં લોકસભા, વિધાનસભા, મહાનગર પાલિકા,નગર પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત લડેલા આગેવાનો હાજર રહેશે.