ગાંધીનગરઃ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રવિવારે મતદાન સમાપ્ત થઈ ગયું છે. સોમવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતગણતરી હાથ ધરાવાની છે અને ક્યો પક્ષ જીતશે તેના પર સૌની નજર છે ત્યારે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ 28 સીટો સાથે આમ આદમી પાર્ટી જીતીને આવશે અને સત્તા કબજે કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઈસુદાન ગઢનીએ દાવો કર્યો છે કે, લોકો પરિવર્તન ઈચ્છે છે તેથી આમ આદમી પાર્ટીને તક આપશે, જ્યારે ભાજપ બીજા ક્રમે આવશે અને કોંગ્રેસ ત્રીજા સ્થાને આવશે.
ઈસુદાને જણાવ્યું કે, કોંગ્રેસે 2011માં યુવાનો માટે લાયબ્રેરી, વૃદ્ધો માટે સિટી બસમાં મફત મુસાફરી અને પ્રાથમિક સુવિધા જેવાં વચનો આપ્યાં હતાં. આ વચનોતી આકર્ષાઈને 2011માં જ્યારે મનપાનું ઈલેક્શન થયું ત્યારે કોંગ્રેસ જીતીને આવી હતી પણ પક્ષપલટો કરી કોંગ્રેસના જીતેલા ઉમેદવારો ભાજપમાં જોડાઈ ગયા તેથી લોકોને આઘાત લાગ્યો હતો. એ પછી ગત 5 વર્ષમાં ભાજપનું શાસન હતું ને લોકોને ખૂબ હેરાન કર્યા હતા. કોરોના કાળમાં લોકોને ભારે તકલીફ પડી હોઈ લોકો ભાજપને મત નહિ આપે. આ મુદ્દાઓને આધારે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે તેથી પ્રથમ ક્રમે આપ , બીજા ક્રમે ભાજપ અને કોંગ્રેસ ત્રીજા ક્રમે જીતીને આવશે.
ગાંધીનગર મનપા માટે 57 ટકાથી વધુ મતદાન
ગાંધીનગર મનપા માટે 57 ટકાથી વધુ મતદાન થયું છે. વૉર્ડ 7માં સૌથી વધુ 67 ટકા તો વૉર્ડ 5માં સૌથી ઓછુ 36 ટકા મતદાન. 5 ઓક્ટોબરના પરિણામ આવશે.
આપ પાર્ટીએ નોંધાવી ફરિયાદ
ગાંધીનગરમાં વોર્ડ નંબર 9માં થયેલી માથાકૂટ અંગે AAPએ ફરિયાદ નોંધાવી છે. ભાજપ કાર્યકરોએ ટેબલ અને ખુરશીઓ ઉથલાવી દીધી હોવાનો આરોપ લગાવ્યો હતો.
મતદાન મથકની બહાર દારૂની બોટલ જોવા મળી
ગાંધીનગરના સેક્ટર 22 ના મતદાન મથકની બહાર દારૂની બોટલ જોવા મળી હતી. મતદાન મથકની બહાર પડેલી દારૂની બોટલ વિવાદનું કેન્દ્ર બની છે.
ગાંધીનગર સેક્ટર 22માં મતદાન મથક પર હોબાળો
ગાંધીનગરમાં સેક્ટર 22 માં પોદાર ઈન્ટરનેશનલ સ્કુલની બાજુના મતદાન મથક પર હોબાળો થયો હતો. આપ પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે અચાનક કેટલાક લોકો ગાડીમાં આવ્યા હતા અને ટેબલ ખુરશી લઇ તોડફોડ કરી હતી. બૂથ સેન્સેટિવ હોવા છતા પણ પોલીસનો કોઈ પૂરતો બંદોબસ્ત નહોતો. હાલ આપ પાર્ટી દ્વારા પોલીસને કોઈ લેખિત ફરિયાદ કે રજૂઆત કરવામાં આવી નથી.
વોર્ડ નં 10 મતદારો ઈચ્છી રહ્યા છે પરિવર્તન
વોર્ડ નંબર 10માં આવેલ વિસ્તારો માટેના મતદાનમાં મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ. લોકોની સુખાકારી માટે કામ કરે તેવા ઉમેદવારોની પસંદગી કરવાનો મતદારોનો મૂડ છે. ઘણા મતદારો પરિવર્તન ઈચ્છી રહ્યા છે, તો ઘણા મતદારો કામ કરનારને તક આપવી જોઈએ એવો મત દર્શાવી રહ્યા છે.
આમ આદમી પાર્ટી સામે કોંગ્રેસ નોંધાવશે લેખિત ફરિયાદ
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની મહિલા પોલીગ એજન્ટ ટોપી પહેરીને પોલિંગ બુથમાં બેસતા કોંગ્રેસ આ અંગે લેખિત ફરિયાદ કરવામાં આવશે.