Gandhinagar:  જૂની પેન્શન યોજનાને લઈને સરકાર અને કર્મચારી યુનિયનો સામસામે આવી ગયા છે. જૂની પેન્શન યોજના અને અન્ય પડતર પ્રશ્નોને લઈને આજે કર્મચારી મંડળોનું મહામતદાન થવાનું છે. આજે કર્મચારી યુનિયનોએ મહામતદાન, પેન ડાઉન અને ચોકડાઉનના કાર્યક્રમની જાહેરાત કરી છે. બીજી તરફ સરકારે પણ વિરોધને લઇને મતદાન અને પેનડાઉન કરનાર કર્મચારીઓ સામે કાર્યવાહીના પણ આદેશ આપ્યા છે.


લોકસભાની ચૂંટણી પહેલા જૂની પેન્શન યોજનાને લઈને રાજ્ય સરકાર અને કર્મચારી યુનિયનો સામસામે આવી ગયા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને પગલે કર્મચારી યુનિયનોએ મહામતદાન, પેન ડાઉન અને ચોકડાઉનના કાર્યક્રમની જાહેરાત કરી છે. માંગણીઓના બેલેટ પેપર છપાવી શૈક્ષણિક કાર્યથી દૂર રહીને મતદાન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ પણ જો નિર્ણય નહીં આવે તો 9 માર્ચના એક લાખથી વધુ શિક્ષકો અને સરકારી કર્મચારીઓ ભગવા વસ્ત્રો, ખેસ, જય શ્રી રામના નામના પતાકા, સાફા પહેરી ગાંધીનગરમાં મહાપંચાયત યોજશે.


પડતર માંગણી તથા જૂની પેન્શન યોજના અંતર્ગત સરકાર સાથે વાટાઘાટનો ઉકેલ ન આવતા સરકારી કર્મચારીઓએ ફરી આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. થોડા દિવસો પહેલા ગાંધીનગરમાં બેઠક મળી હતી જેમાં રણનીતિ માટેની રૂપરેખા તૈયાર કરાઈ હતી જેના જ ભાગરૂપે આજે મહા મતદાન, પેન ડાઉન અને ચોક ડાઉનના કાર્યક્રમ બાદ 7 અને 8 માર્ચના ફરી સરકાર સાથે વાટાઘાટો કરશે. ત્યારબાદ પણ જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો 9 માર્ચના ગાંધીનગરમાં મહાપંચાયત યોજશે.


કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહીના સરકારના આદેશ


બીજી તરફ વિવિધ મંડળો તરફથી પડતર માંગણીઓ મુદ્દે આજે અપાયેલા પેન ડાઉન, ચોક ડાઉન, શટ ડાઉન કાર્યક્રમને લઈ રાજ્યનો સામાન્ય વહીવટ વિભાગ એકશનમાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગે તમામ વિભાગીય વડાઓને સંબોધીને પરિપત્ર કર્યો કે જે કર્મચારીઓ આ કાર્યક્રમ હેઠળ સરકારી કામગીરીથી અળગા રહે અને પોતાની નિયમિત કામગીરી ન કરે તેની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવે.