Gandhinagar News: સંસદીય કાર્યશાળામાં ધારાસભ્યોની નિરસતા જોવા મળી. બીજા દિવસે પણ 182 માંથી 100થી વધુ ધારાસભ્યો ગેરહાજર રહ્યા. આજે વિધાનસભાની સંસદીય કાર્યશાળામાં આધ્યક્ષ શંકર ચૌધરીનું મહત્વનું નિવેદન આપ્યું, તેમણે કહ્યું, વિધાનસભા ગૃહમાં મંત્રી ખોખલા વચન ન આપી શકે. ગૃહમાં મંત્રી કહે કે હા આ કામ થઈ જશે એટલે તે કમિટમેંટ સરકારનું બની જતું હોય છે. મંત્રી જ્યારે આવું વચન આપે ત્યારે બજેટની જોગવાઈ અને નિયમો જાણીને બોલે. મંત્રીએ ગૃહમાં આપેલા વચનની અમલવારીની જવાબદારી અધિકારીઓની થાય છે. જો વચનનું પાલન નહિ થાય તો એક્શન પણ લેવાઈ શકે છે, આવી બાબતો ખાતરી સમિતિમાં આવે છે તેનું મૂલ્યાંકન થવું જરૂરી છે. ગઈકાલે પ્રથમ દિવસે પણ ધારાસભ્યોની પાંખી હાજરી હતી.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાના હસ્તે ઉદઘાટન
ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સંસદીય કાર્યપ્રણાલીના નિયમોથી માહિતગાર થાય તે આશયથી ગુજરાત વિધાનસભા દ્વારા તા. 15 અને 16મી ફેબ્રુઆરીના રોજ બે દિવસીય “સંસદીય કાર્યશાળા”નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં બુધવારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના હસ્તે સંસદીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ સંસદીય કાર્યશાળા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અતિથી વિશેષ પદે યોજાઈ રહી છે. ઓમ બિરલાએ આ પ્રસંગે કહ્યું હતું કે, ગુજરાતની ધરતી સરદાર પટેલ અને મહાત્મા ગાંધીની ભૂમિ છે. સામર્થ્યની ધરતી છે. ગુજરાતનો એક લાંબો ઈતિહાસ રહ્યો છે.
વિવિધ વિષયના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે
આ બે દિવસીય સંસદીય કાર્યશાળામાં 10થી વધુ વિષયો પર વિવિધ સત્ર યોજાશે. જેમાં સંસદીય લોકશાહીમાં જન પ્રતિનિધિઓની ભૂમિકા, વિધાનસભાની કાર્યવાહી અંતર્ગત શું કરી શકાય અને શું ન કરી શકાય?, સ્ટ્રેસ મેનેજમેન્ટ, સુદ્રઢ લોકશાહી માટે બંધારણીય સંસ્થાઓની ભૂમિકા,સંસદીય વિશેષાધિકારો અને નીતિમત્તાના ધોરણે, G-20માં ભારતનું પ્રમુખ સ્થાન, સંસદીય પ્રશ્નો અને તાકીદની જાહેર અગત્યની બાબતો પર ચર્ચા ઉપસ્થિત કરવાની નિયમ હેઠળની પદ્ધતિઓ, કારોબારી તંત્ર પર વિધાનસભાની સમિતિઓનો સંસદીય અંકુશ, વિધાનસભામાં નાણાકીય કામકાજ, વિધાનસભામાં કાયદો ઘડવાની પ્રક્રિયા જેવા વિવિધ વિષયોને આવરી લેવાશે. આ તમામ વિષયો પર સંસદના નિષ્ણાંતો, તજજ્ઞો તેમજ વિવિધ વિષયના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે.
આ પણ વાંચોઃ