Gandhinagar:  IPS  હસમુખ પટેલને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. હસમુખ પટેલને નવા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારે નવા પોલીસ ભરતી બોર્ડની રચના કરી છે ત્યારે હસમુખ પટેલ નવા પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા. આ ભરતી બોર્ડ ટૂંક સમયમાં પીએસઆઇ અને એલઆરડીની પરીક્ષા યોજશે.




IPS હસમુખ પટેલે હાલમાં જ લીધેલી પરીક્ષાઓથી પેપર ફૂટવાની ઘટના પર બ્રેક લાગી છે. હસમુખ પટેલની છબિ સ્વચ્છ અને પ્રામાણિક અધિકારીની છે. ભરતી પરીક્ષાના ઉમેદવારોને હસમુખ પટેલની કામગીરી પર અતૂટ વિશ્વાસ છે.


તે સિવાય  પી.વી રાઠોડનો પણ પોલીસ ભરતી બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પી.વી રાઠોડ હાલમાં CID ક્રાઈમમાં ફરજ બજાવી રહ્યા છે. આગામી દિવસોમાં સરકાર PSI અને LRDની ભરતી જાહેર કરશે.


કોણ છે હસમુખ પટેલ?


1993 બેચના આઇપીએસ અધિકારી હસમુખ પટેલ મૂળ બનાસકાંઠાના છે. હસમુખ પટેલે સિવિલમાં બીઇની ડિગ્રી લીધા બાદ સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં પીજી કર્યું છે. તેમણે પોલીસ મેનેજમેન્ટમાં એમબીએ અને પીએચડી પૂર્ણ કર્યું છે. પટેલ પોલીસ વિભાગમાં ખડતલ અને પ્રમાણિક અધિકારી તરીકેની છબી ધરાવે છે. પટેલ અગાઉ એન્ટી કરપ્શન બ્યુરો ગુજરાતના સ્પેશિયલ ડાયરેક્ટર રહી ચૂક્યા છે. તેમણે પોલીસ સુધારામાં અગ્રણી ભૂમિકા ભજવી છે. પટેલ રાજ્યમાં દારૂ માફિયાઓ સામેની કાર્યવાહી માટે જાણીતા છે. તેઓ ગાંધીનગરના ડીઆઈજી હતા ત્યારે તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેમને સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજીની વધારાની જવાબદારી સોંપી હતી. હસમુખ પટેલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો સુવિધાઓથી શિક્ષણ મળતું હોત તો હું અભણ હોત.


હસમુખ પટેલની ઈચ્છા ડૉક્ટર  બનવાની હતી. પાંચ માર્ક ઓછા આવવાના કારણે તેમને મેડિકલના બદલે એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવો પડ્યો હતો. UPSC માં ચાર વખત ગુજરાતીમાં પેપર લખનારા હસમુખ પટેલ ત્રણ વખત ઈન્ટરવ્યુ સુધી પહોંચ્યા હતા. બે વખત સિવિલ સર્વિસ પાર કરી હતી. ત્રીજા પ્રયાસમાં ઈન્ડિયન એકાઉન્ટ સર્વિસ  અને ચોથા પ્રયત્નમાં ઈન્ડિયન પોલીસ સર્વિસ પસંદ કરી હતી. તેઓ SP તરીકે પ્રોહિબિશન, સુરત, પોરબંદર, વલસાડ, ભાવનગર રેલવેમાં ફરજ બજાવી ચૂક્યા છે. 


હસમુખ પટેલ રાજ્યના યુવાનો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં ભારે લોકપ્રિયતા ધરાવે છે. એલઆરડી રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી દરમિયાન હસમુખ પટેલે ઉમેદવારોને પણ પ્રોત્સાહિત કર્યા હતા. હસમુખ પટેલ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ટ્વિટર પર તેમના લાખો ફોલોઅર્સ છે. પટેલે તેમના બાયોમાં લખ્યું છે કે હું પરિવર્તન અને ઈમાનદારી માટે ઊભો છું.