ગાંધીનગરઃ ગાંધીનગરમાં બાળકને તરછોડતાં પહેલાં વડોદરાના ઘરમાં પ્રેમિકાની હત્યા કરનારા સચિન દિક્ષિતે કઈ રીતે હીનાની હત્યા કરી હશે તેનો ખુલાસો એફએસએલના નિષ્ણાતો દ્વારા કરાયો છે.


સત્તાવાર રીતે રીપોર્ટ આવ્યો નથી પણ એફએસએલના નિષ્ણાતો પ્રમાણે, હીનાના ગળાના ભાગે ઇજાનાં નિશાન પોસ્ટમોર્ટમમાં મળી આવ્યાં છે. ફોરેન્સિક નિષ્ણાતોના મતે, આ નિશાન પરથી જણાય છે કે સચિને પાછળથી હીનાના ગળાને હાથ વડે દબાવ્યું હશે. ગળાની સાઇડના ભાગમાં દબાણ આવ્યું હોય તેવાં નિશાન મળ્યાં છે. આ રીતે હાથને કોણીના ભાગમાંથી વાળીને વ્યક્તિના શરીરની વચ્ચે જેના પર હુમલો કરવાનો હોય તેનું ગળું પકડમાં આવી જાય છે.


આ પોઝિશનને એલ્બો બેન્ડ મગિંગ કહેવાય છે. હાથનું દબાણ ગળાની બાજુમાં કેરોટિડ સાઇનસ નામના હિસ્સામાં આવતાં વ્યક્તિ ગૂંગળામણ અનુભવે છે. આ સ્થિતિમાં કી પણ વ્યક્તિ મહત્તન 4 મિનિટ પ્રતિકાર કરી શકે છે પણ  2 મિનિટ પછી પ્રતિકાર કરવાની ક્ષમતા લગભગ ખતમ થઇ જાય છે. સામેની વ્યક્તિનો ભરડો મજબૂત હોય તો 4 મિનિટમાં જ મોત થાય છે. સચિને હિનાનું 7 મિનિટ સુધી ગળું દબાવી રાખ્યું હતું કે જેથી તે બચી જ ના શકે.


સચિન અને હીના વડોદરામાં ખોડિયારનગરમાં દર્શનમ ઓએસિસમાં ફ્લેટ ભાડે રાખીને રહેતાં હતાં. 8 ઓક્ટોબરે સાંજે સાડા ચાર વાગ્યે બંને વચ્ચે ગાંધીનગર જવાના મુદ્દે ઉગ્ર ઝઘડો થયો હતો. હિનાએ તેને ગાંધીનગર જવાની ના પાડી દીધી હતી. આ મુદ્દે ઉગ્રતા થતાં બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી.


હીનાએ સચિનને લાફો મારી નખ માર્યો હતો અને જોર જોરથી ચીસો પાડવા લાગી હતી.  ઉશ્કેરાયેલા સચિને 7 મિનિટ સુધી તેનું ગળું દબાવી દીધું હતું અને તેનું હલનચલન બંધ થતાં હિનાની લાશ ચેઇનવાળી બેગમાં ભરી બેગ રસોડામાં વોશબેસિનની નીચેના કબાટમાં મૂકી દીધી હતી.  ત્યાર બાદ બાળકને લઇ સેન્ટ્રો કારમાં ગાંધીનગર રવાના થયો હતો.