ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકો ગ્રેડ પે મામલે પોતાની માંગને લઇને આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે હવે ગ્રેડ પે મામલે હવે શિક્ષકના પરિવારજનો પ્રતિક ઉપવાસ કરશે. શિક્ષકોના આંદોલનને  છ મહિનાથી વધારે સમય થવા આવ્યો અને સરકારે ખાતરી ના આપતાં હવે પરિવારો પણ આંદોલનમાં જોડાશે.


રાજ્યના વર્ષ 2010 પછી ભરતી થયેલા શિક્ષકો પોતાને રૂપિયા 4200નો ગ્રેડ પે આપવા માંગ કરી રહ્યા છે. હાલ આ શિક્ષકોને રૂપિયા 4200નો નહીં પણ રૂપિયા 2800 ગ્રેડ આપવામાં આવી રહ્યો છે. જેની સામે શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પાછલા કેટલાક સમયથી સોશિયલ મીડિયા મારફતે પોતાનું આંદોલન ચલાવી રહ્યા છે. વાંરવાર રજૂઆતો છતાં કોઇ ઉકેલ નથી આવ્યો તેથી હવે આંદોલન ચલાવતા શિક્ષકોના પરિવારજનો સોમવાર, મંગળવાર અને બુધવાર એણ ત્રણ દિવસ પ્રતિક ઉપવાસ પર બેસી શિક્ષકોના આંદોલનને સમર્થન આપશે.

આ શિક્ષકો દિવસના 50 હજારથી વધારે ટ્વીટ કરી પોતાની માંગ ને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યમાં અંદાજે 65 હજાર શિક્ષકો છે કે જેઓ રૂપિયા 4200ના ગ્રેડ પે બાબતે આંદોલન ચલાવી રહ્યા છે. શિક્ષકો ઉપરાંત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શૈક્ષણિક સંઘ 4200 ગ્રેડ પે મામલે અવારનવાર શિક્ષણ વિભાગને રજૂઆત કરી ચૂક્યો છે અને બેઠકો પણ થઈ છે, પરંતુ નિવેડો નથી આવ્યો. માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે જેને કારણે શિક્ષકોમાં  ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોતાના સંગઠનોની રજુઆત બાદ પણ કોઈ અસર ન દેખાતા હવે આ શિક્ષકોની ધીરજ પણ ખૂટી છે, એટલે ફરી સક્રિયતાપૂર્વક આંદોલનને આગળ વધારી રહ્યા છે.