ગાંધીનગર: વધતા કોરોનાના સંક્રમણને કારણે ગાંધીનગર મહાનગરપાલિકા (GMC)ની ચૂંટણી મોકૂફ રાખવા રાજ્ય ચુંટણી પંચે સત્તાવાર આદેશ કર્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી18 એપ્રિલે યોજાવાની હતી. કોરોનાની સ્થિતિ સુધરે ત્યારબાદ નવી તારીખની જાહેરાત કરવામાં આવશે. રાજ્યમાં વણસી રહેલી કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ ચૂંટણી મોકૂફ રાખવા માટે રજૂઆત કરી હતી. આ સાથે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી મોકૂફ રાખવા માટે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી. 


રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું કે,  કોરોના (Corona)ની સ્થિતિ સુધરે ત્યારબાદ નવી તારીખની જાહેરાત કરવામાં આવશે. અત્યાર સુધીની પ્રક્રિયા યથાવત રહેશે. ઉમેદવારે નવા ફોર્મ નહીં ભરવા પડે. આજ ની સ્થિતિએ પૂર્ણ થયેલ ચૂંટણી પ્રક્રિયા માન્ય રહેશે. હવે પછી માત્ર મતદાન અને પ્રચારનો સમય જ જાહેર કરાશે.  ચૂંટણી પંચ સ્થિતિ સુધર્યા બાદ નવી સ્થિતિની જાહેરાત કરશે. ચૂંટણી મોકૂફ થતા નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી અમલી આચાર સહિંતા હટાવી લેવામાં આવશે.

 

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે ગાંધીનગર મનપાની ચૂંટણી હાલમાં મોકૂફ રાખવા મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાજકીય પક્ષોએ માંગ કરી હતી.  

 

ગુજરાતમાં છેલ્લા 9 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

 


તારીખ

નોંધાયેલા કેસ

મોત

9 એપ્રિલ

4541

42

8 એપ્રિલ

4021

35

7 એપ્રિલ

3575

22

6 એપ્રિલ

3280

17

5 એપ્રિલ

3160

15

4 એપ્રિલ

2875

14

3 એપ્રિલ

2815

13

2 એપ્રિલ

2640

11

1 એપ્રિલ

2410

9

કુલ કેસ અને મોત

29,371

178


કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 76,30,525 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 9,84,583 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 86,15,108 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.