ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને દૈનિક 4 હજારથી વધુ કોરોનાના કેસો આવી રહ્યા છે અને ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, ત્યારે દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ખૂબ જ કારગર સાબિત થઈ રહ્યા છે. ત્યારે આ ઇન્જેક્શન માટે લાઇનો લાગી રહી છે.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાગતી લાઇનો મુદ્દે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, રેમડેસિવિર ઇન્જેક્શન માટે કોઈ 24-48 કલાક ઉભા રહેતું નથી. થોડીકવાર ઉભું રહેવું પડે છે. હું કહું તમને ઝાયડસે એક વધારાની વ્યવસ્થા કરી. સરકારે અમદાવાદ હોય, બરોડા હોય, સુરત હોય કે રાજકોટ હોય સરકાર ડાયરેક્ટ કોઈને ઇન્જેક્શન આપતી નથી અને આપવાની પણ નથી. કારણ કે, કોણ લઈ જાય છે, કેવી રીતે લઈ જાય છે, એનો કોઈ હિસાબ-કિતાબ નથી. સરકારે જેટલી કોવિડ હોસ્પિટલો છે, ખાનગી કે સરકારી. એમને હોસ્પિટલને આપવાનો નિર્ણય કર્યો છે. દાખલા તરીકે, રાજકોટ. એમણે હેલ્પલાઇન ઉભી કરી છે. એ નંબર પર સરકારી સિવાયની ખાનગી હોસ્પિટલના ડોક્ટર વોટ્સએપ પર પ્રિક્રિપ્શન મોકલે અને માણસ મોકલે એટલે એક કલાકમાં એને ઇન્જેક્શન સરકાર આપી દે છે. પણ આપે છે કોને, હોસ્પિટલોને જ. નર્સિંગ હોમોને જ.
તેમણે ઉમેર્યું હતું કે, પેશન્ટને સીધા ઇન્જેક્શન નથી આપતા. કેડિલાએ પેશન્ટની લાગણીઓને ધ્યાનમાં પોતાના ડેપો ઉપર આ વ્યવસ્થા ગોઠવી છે. કેડિલાએ સારી વ્યવસ્થા કરી. 10 હજારથી વધુ લોકોને ઇન્જેક્શન આપ્યા પણ ખરા. સારું કર્યું છે. ગુજરાતમાં જેને રેમડેસિવિરની જરૂરિયાત છે, એને આપણે આપવા માટે પૂરતી વ્યવસ્થા કરી રહ્યા છીએ. ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે જેને રેમડેસિવિરની વ્યવસ્થા કરી છે. એટલે આપણે પહોંચી વળીએ છીએ. બીજા રાજ્યોમાં વ્યાપક સમસ્યા છે.