Gandhinagar: હાલ ગુજરાત વિધાનસભા બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગૃહમાં ચોંકાવનારો આંકડો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું, ગુજરાતમાં 14 લાખ લોકો ડ્રગના બંધાણી છે, જેમાંથી 12 લાખ પુરુષો અને 2 લાખ મહિલાઓ છે. ગુજરાતમાં ચારેય તરફ બધું નકલી ચાલી રહ્યું છે, PMO અને CMOના નકલી અધિકારી, નકલી પોલીસ, નકલી ઈન્કમટેકસ અધિકારી, નકલી ટોલનાકું, નકલી સરકારી કચેરી અને નકલી સીરપ. રાજ્યપાલના સંબોધન પરની ચર્ચામાં ભાગ લેતા ચાવડાએ આ પ્રહાર કર્યા હતા.


ગુજરાત વિધાનસભાની ઓનલાઇન કાર્યવાહી જાણવા રાજસ્થાનના અધ્યક્ષ આવ્યા હતા. રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ વાસુદેવ દેવનાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ સહિત વિધાનસભા સેકેટરી, સચિવ પણ ગાંધીનગર આવ્યા હતો. ગુજરાત વિધાનસભાના તમામ ધારાસભ્ય કેવી રીતે ઓનલાઈન ગૃહમાં કાર્યવાહી કરી રહ્યા છે તેના વિશે રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષે માહિતી મેળવી હતી.


જે બાદ રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ કહ્યું, આજે  ગુજરાત વિધાનસભાની પ્રક્રિયા જોવાનો અવસર મળ્યો એ બદલ શંકર ચૌધરીનો આભાર. અમારી વિધાનસભા સિવાય અન્ય વિધાનસભાના નવાચારથી અવગત થવાનો અવસર મળ્યો. આવી બાબતોથી દેશના લોકતંત્રને મજબૂત કરવાની તક મળે છે. ગુજરાત અને રાજસ્થાન એકબીજાના પૂરક છે, શનિ-રવિવાર તો ઉદયપુર ગુજરાતીઓથી ઉભરાઈ જતું હોય છે. મારો ગુજરાત સાથે સંબંધ પણ છે, મારી બંન્ને દીકરીઓના લગ્ન ગુજરાતમાં થયા છે. આજે જોયું કે ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રીય પ્રસ્તાવ પર શાંતિ અને સહમતીથી શાંતિપૂર્વક ચર્ચા થઈ. બંન્ને રાજ્યોના સંબંધો વધુ ગાઢ બનશે અને આવન-જાવન ચાલુ રહેશે.