ગાંધીનગરના પૂર્વ કલેક્ટર અને આઈએએસ અધિકારી એસ.કે.લાંગાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એસ.કે. લાંગાની ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકતના ગુનામાં બે મહિના બાદ મંગળવારે ધરપકડ કરાઇ હતી. લાંગા વિરુદ્ધ જમીન મહેસૂલના અટપટા કાયદા, નિયમો અને પેટા નિયમોથી ગૂંચવાયેલા જમીન માલિકો, ખેડૂતો અને અરજદારોને કાયદાની માયાજાળમાં ફસાવીને તેમની પાસે કરોડો રૂપિયાની કટકી કરવાની ફરિયાદ નોંધાયાના 56 દિવસ બાદ આબુની હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.


જો કે આ ગુનામાં લાંગાના સાગરિતો તત્કાલિન પૂર્વ ચીટનીસ અને આરએસી સામે ગુનો નોંધાયો હોવા છતા બંન્ને હજુ ફરાર છે.  મંગળવારે ગાંધીનગર એસલીબી ટીમને માહિતી મળી હતી કે પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા આબુની એક હોટેલમાં ત્રણ દિવસથી રોકાયો છે. જેથી એલસીબી અને એસઆઈટીની બે ટીમો તાત્કાલિક માઉન્ટ આબુ પહોંચીને અલગ અલગ હોટેલોમાં તપાસ શરૂ કરી હતી.  આ દરમિયાન એક હોટેલમાંથી લાંગાની ધરપકડ કરી હતી. બાદમાં તેને ગાંધીનગર લવાયો હતો.


ગાંધીનગર સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં હોદ્દાનો દુરૂપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરવા અને જમીનોના કેસમાં મોટાપાયે ગેરરીતિ આચરી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કર્યાની અને અપ્રમાણસર મિલકત વસાવ્યાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટના બાદ ગાંધીનગર પોલીસે સીટની રચના કરી હતી. ફરિયાદ બાદ એસ.કે.લાંગા વિદેશ ફરાર થઈ ગયાની પણ વાતો વહેતી થઈ હતી. પોતાના કાર્યકાળ દરમિયાન લાંગાએ જમીનોના ખોટા હુકમો કરી, જમીન નવી શરતની હોવા છતા જૂની શરતની ગણીને એનએની પરવાનગી, ખેડૂત નહીં હોવા છતા ખેડૂતની મંજૂરી આપવા સહિતના વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર આચર્યા હોવાની પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


ગાંધીનગર ડીવાયએસપી દ્વારા આ કેસને લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી. અલગ અલગ 4 ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. મહત્વનુ છે કે આ કેસમાં હજારો પાનાનાં દસ્તાવેજો કબજે કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસ તપાસમાં રેવન્યુ જાણકારોની પણ મદદ લઈ લેવામાં આવી  હતી  તેવું જાણવા મળ્યું છે. સરકારને આર્થિક નુકસાન પહોંચાડયાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સરકાર પોતે ફરિયાદી બની છે. એટલું જ નહીં સરકાર તરફથી ખુદ સરકારના જ પૂર્વ કલેક્ટર સામે ફરિયાદ કરી ગૂનો દાખલ કરાવવામાં આવ્યો હતો


પૂર્વ કલેકટર એસ.કે. લાંગા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં શું છે ?


લાંગા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ, તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે-તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી. તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરું રચી જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમ પણ નહીં ભરીને સરકારને આર્થિક નુકસાન કરી બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા ઊભા કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી એનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. તે ઉપરાંત તેમણે ભાગીદારીમાં રાઇસ મિલ ચલાવી ભષ્ટાચાર કર્યા હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. 


એસ.કે લાંગા દ્વારા ગાંધીનગરના કલેકટર તરીકે આચરવામાં આવેલી ગેરરીતિ પૈકી સૌથી મોટી ગેરરીતી ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મુલસાણા ગામની અંદર આવેલી પાંજરાપોળની 60 લાખ ચોરસ વાર જમીનની અંદર આચરવામાં આવી હોવાનું ખુલ્યું છે. આ જમીન પાંજરાપોળ માટે હતી ત્યારબાદ આ જમીન ગણોતિયાઓને આપવામાં આવી હતી અને બાદમાં આ જમીન શ્રી સરકાર કરવાની થતી હોવા છતાં નિયમો વિરુદ્ધ જઈ એસ.કે લાંગા તેની સાથેના ગાંધીનગરના આરએસી અને ચીટનીશ અધિકારીએ આ જમીન કેટલાક બિલ્ડર્સ અને ખાનગી ક્લબને પધરાવી દીધી હતી.