ગાંધીનગરઃ ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામમાં આસો સુદ નોમનાં દિવસ અને સોમવારે સુપ્રસિદ્ધ વરદાયિની માતાની ભવ્યાતિભવ્ય પલ્લીનો કાર્યક્રમ યોજાયો હતો. સોમવારે રાત્રે 12 કલાકે મંદિર પરિસરમાંથી પલ્લીની શરૂઆત થઇ હતી. જેમાં 10 લાખથી વધુ ભક્તો જોડાયા હોવાનું માનવામાં આવે છે. સુપ્રસિધ્ધ વરદાયિની માતાની પલ્લીનું એટલુ મહાત્મ્ય છે કે, તેના દર્શનાર્થે માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશ-વિદેશમાંથી લોકો પલ્લીના મેળાનો મહિમા અનુભવવા આવે છે. જેના કારણે સુરક્ષા પણ સઘન બનાવવામાં આવે છે. પાંડવોના સમયથી ચાલતી વરદાયિની માતાની પલ્લીમાં આ વખતે પલ્લી માટે અંદાજે 500થી વધુ પોલીસ અને સુરક્ષા જવાનોનો તૈનાત હતો. જ્યારે સીસીટીવી અને વીડિયો કેમેરાથી પણ સમગ્ર પલ્લી પર નજર રાખવામાં આવશે.
રૂપાલમાં વરદાયિની માતાના જયઘોષની સાથે શ્રદ્ધાળુઓએ ઘીનો અભિષેક કર્યો હતો, જેને કારણે ગામની શેરીઓમાં જાણે ઘીની નદીઓ વહેતી થઈ હતી. આ પલ્લીમાં 5 જ્યોતની પલ્લી રૂપાલના 27 ચકલામાંથી પસાર થઈ હતી. તે તમામ ચકલામાં ઘી ભરવાના પીપડાં અને ટ્રેક્ટરની ટ્રોલીઓ રાખવામાં આવી હતી. નાના બાળકોનાં સ્વાસ્થ્ય માટે તેમને પલ્લીની પવિત્ર જ્વાળાનાં દર્શન કરાવતા હોય છે.
ડુપ્લિકેટ ઘીનું વેચાણ ન થાય તેની તકેદારી રાખવા માટે ફૂડ અને ડ્રગ્ઝ કન્ટ્રોલની ટીમો હાજર રહી છે. પ્રસંગમાં ઘીનો અભિષેક થતો હોવાથી ફાયરબ્રિગેડના જવાનો પલ્લી સાથે ફરતા રહ્યા. આરોગ્યની સુખાકારી જળવાઈ રહે તે માટે 4 મેડિકલ ટીમ એમ્બુલન્સની સાથે યુજીવીસીએલની ટીમો પણ હાજર રહી હતી.
પાંડવોએ ગુપ્ત વાસ સમયે પલ્લીની શરુઆત કરી હતી. તે સમયે બનાવેલ સોનાની હવે લાકડામાંથી બનાવવામાં આવે છે. દર વર્ષે આખી પલ્લી નવી બનાવવામાં આવે છે. જેમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ નથી થતો. વરદાયિની મંદિરની બનતી આ પલ્લી પણ સામાજીક સમરસતાનુ પ્રતિક છે. ગામના તમામ સમાજના લોકો આ પલ્લી બનાવા માટે કામ કરે છે. વહેલી સવારથી પલ્લી બનાવવાની શરૂઆત થાય છે જે રાતે પલ્લી તૈયાર થાય છે.
ધાર્મિક મહત્ત્વની દ્રષ્ટિએ જોઇએ તો, સૃષ્ટિનાં પ્રારંભે અહીં દુર્મદ નામનો અતિ બળવાન અને ભયંકર રાક્ષસ રહેતો હતો. તેણે બ્રહ્માજીએ રચેલ સૃષ્ટિનો નાશ કરી બ્રહ્માજીને અતિ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આથી બ્રહ્માજી શ્રી વરદાયિની માતાજીના શરણે ગયા. શ્રી માતાજીએ પુત્રરૂપે શરણે આવેલા બ્રહ્માજીને સાંત્વના આપી. માતાજીએ દુર્મદ સાથે યુદ્ધ કરી તેનો સંહાર કર્યો અને માનસરોવરનું સ્વયં નિર્માણ કરી પોતાના લોહીવાળા વસ્ત્રો તેમાં ધોયા અને અહીં કાયમ માટે નિવાસ કર્યો.