ગાંધીનગરના આ સેક્ટરમાં દોઢ મહિનાથી કોરોનાનો એક પણ કેસ ના આવતાં કન્ટેનમેન્ટ ઝોનમાંથી બહાર, હવે લોકો બહાર જઈ શકશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 May 2020 12:58 PM (IST)
સેક્ટર 23માં કોરોનાના ચાર કેસ આવ્યા બાદ હતા. ગાંધીનગરમાં સૌથી પહેલો કોરોનાનો કેસ આ સેક્ટરમાં જ નોંધાયો હતો.
ગાંધીનગરઃ ગાંધીનગર શહેરના સેક્ટર 23ને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી બહાર મૂકી દેવાયો છે. સેક્ટર 23માં કોરોનાના ચાર કેસ આવ્યા બાદ હતા. ગાંધીનગરમાં સૌથી પહેલો કોરોનાનો કેસ આ સેક્ટરમાં જ નોંધાયો હતો. આ દર્દીઓની સારવાર બાદ આ તમામ દર્દીઓને રજા આપવામાં આવી હતી. તેમને ડિસ્ચાર્જ અપાયાના ર૮ દિવસ બાદ પણ સેકટરમાં કોરોનાનો એક પણ કેસ ના આવતાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સેક્ટર કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત જાહેર કરવામાં આવ્યું છે. સેક્ટર 23માં શરૂઆતમાં ચાર કેસ આવતાં એક હજાર જેટલા મકાનોના 3700 વ્યક્તિઓને કન્ટેન્મેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા હતા. ગાંધીનગર શહેરના કોરોનાના પ્રથમ દર્દી ઉમંગ પટેલના ફુવાના પરિવારના ચાર સભ્યો કોરોનામાં સપડાયા પછી સેક્ટર 23ને કોર્પોરેશન દ્વારા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. આ સેક્ટરમાં લોકોની સામાન્ય અવરજવર પર પણ પ્રતિબંધ લગાવીને હજાર કરતાં વધુ પરિવારોને આરોગ્ય વિભાગના સર્વેલન્સ હેઠળ રાખવામાં આવ્યા હતા. હવે આ પરિવારોને રાહત મળશે. જો કે ગાંધીનગર શહેરમાં સૌપ્રથમ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયેલું સેક્ટર 29 હજુ પણ કન્ટેનમેન્ટ ઝોનમાંથી જ રહેશે.